Mon Oct 05 2026

Logo

‘ગૃહિણી વિકાસ યોજના’ને નામે 62 મહિલા સાથે 43.69 લાખ રૂપિયાની છેતરપિંડી

2026-09-11 17:08:00
Author: Yogesh C. Patel
‘ગૃહિણી વિકાસ યોજના’ને નામે 62 મહિલા સાથે 43.69 લાખ રૂપિયાની છેતરપિંડી

Ai Image


થાણે: ‘ગૃહિણી વિકાસ યોજના’માં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 62 મહિલા પાસેથી 43.69 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરનારા શખસ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.

અધિકારીના જણાવ્યા મુજબ આરોપી લક્ષ્મણ સંજય શેળકે (40)એ જાન્યુઆરી, 2024થી માર્ચ, 2025 દરમિયાન કથિત છેતરપિંડી આચરી હતી. ડોમ્બિવલીમાં રહેતી 36 વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે માનપાડા પોલીસે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર શેળકેએ ફરિયાદી સહિત અનેક મહિલાનો સંપર્ક સાધ્યો હતો. ‘ગૃહિણી વિકાસ યોજના’ નામે નાની બચત યોજનામાં રોકાણ કરવા મહિલાઓને સમજાવી હતી. આ યોજનામાં દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવા પર વાર્ષિક 14 ટકાનું વળતર અપાવવાની લાલચ તેણે બતાવી હતી.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આ યોજના હેઠળ શેળકેએ 62 મહિલા પાસેથી 43.69 લાખ રૂપિયા પડાવ્યા હતા. જોકે બાદમાં તેણે મહિલાઓને કોઈ વળતર ચૂકવ્યું નહોતું. વારંવાર પૂછપરછ કરતાં તે મહિલાઓને ઉડાઉ જવાબ આપતો હતો. બાદમાં તેનો સંપર્ક ન થઈ શકતાં બુધવારે ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચી હતી. આરોપી શેળકેની પોલીસ શોધ ચલાવી રહી છે. (પીટીઆઈ)