Tue Oct 06 2026

Logo

શૅર ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં મિત્રને જ લગાવ્યો 62 લાખનો ચૂનો...

2026-03-09 17:25:00
Author: Yogesh C. Patel
શૅર ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં મિત્રને જ લગાવ્યો 62 લાખનો ચૂનો...

થાણે: ઊંચા વળતરની ખાતરી આપી શૅરબજારમાં રોકાણ કરવા લલચાવીને પોતાના જ મિત્ર સાથે 62 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરનારા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
થાણેમાં રહેતા 36 વર્ષના યુવાને નોંધાવેલી ફરિયાદને આધારે કાપૂરબાવડી પોલીસે શનિવારે આરોપી સચિન ભાગવત (47) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 316(2) હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો.

ઈલેક્ટ્રિક કંપનીના કર્મચારી એવા ફરિયાદી સાથે આરોપી ભાગવતે પહેલાં મિત્રતા કરી હતી. પછી તેનો વિશ્ર્વાસ સંપાદન કરી સ્ટૉક માર્કેટમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની તક હોવાની ચર્ચા કરી હતી.એફઆઈઆર અનુસાર સારું અને તાત્કાલિક વળતરની લાલચે ફરિયાદીને શૅર્સમાં રોકાણ કરવા આરોપીએ લલચાવ્યો હતો. આરોપીની વાતોમાં આવી ફરિયાદીએ બે વર્ષ દરમિયાન 75 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

જોકે બાદમાં ફરિયાદીએ વળતર અંગે પૂછપરછ કરતાં આરોપી ઉડાઉ જવાબ આપવા લાગ્યો હતો. વળતર તો ઠીક, ફરિયાદીને રોકાણ કરેલી મૂળ રકમ બાબતે પણ આરોપી કોઈ ચોખવટ કરતો નહોતો. વારંવાર પૂછપરછ પછી આરોપીએ માત્ર 13 લાખ રૂપિયા પાછા આપ્યા હતા.ફરિયાદમાં જણાવાયું હતું કે લાંબો સમય વીત્યા છતાં આરોપીએ બાકીના 62 લાખ રૂપિયા આપ્યા નહોતા. આખરે ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. (પીટીઆઈ)