Tue Oct 06 2026

Logo

બ્લડ પ્રેશરની નકલી દવા વેચનારા બે પકડાયા: નવ લાખની દવા જપ્ત...

2026-02-18 18:38:00
Author: Yogesh C. Patel
બ્લડ પ્રેશરની નકલી દવા વેચનારા બે પકડાયા: નવ લાખની દવા જપ્ત...

થાણે: લોકપ્રિય પ્રિસ્ક્રાઈબ્ડ દવાની બ્રૅન્ડનાં નામ અને ડિઝાઈનની બ્લડ પ્રેશરની નકલી દવા વેચવાના રૅકેટનો પર્દાફાશ કરી થાણે પોલીસે મુંબઈ-ડોમ્બિવલીથી બે જણની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી અંદાજે નવ લાખ રૂપિયાની નકલી દવા જપ્ત કરવામાં આવી હતી.

કલ્યાણ પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ નકલી ‘ટેલ્મા એએમ ટૅબ્લેટ્સ (ટેલ્મિસર્ટન 40 એમજી અને એમલોડિપિન પાંચ એમજી)’ વેચતા હતા. આ માટે ‘શ્રીરામ ફાર્મા’ના લાઈસન્સનો ઉપયોગ કરતા હતા અને એ ઉત્પાદનો ઑરિજિનલ ઉત્પાદકના હોવાનું દર્શાવતા હતા.

માહિતીને આધારે ફૂડ ઍન્ડ ડ્રગ એડ્મિનિસ્ટે્રશને (એફડીએ) 20 જાન્યુઆરીએ રેઇડ કરી નકલી ‘ટેલ્મા એએમ’ ટૅબ્લેટ્સની 2,795 સ્ટ્રિપ્સ જપ્ત કરી હતી, જેની કિંમત 8.94 લાખ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

એફડીએની ફરિયાદને આધારે ડોમ્બિવલીની માનપાડા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ડ્રગ્સ ઍન્ડ કોસ્મેટિક્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.ધરપકડ કરાયેલા મુખ્ય આરોપીની ઓળખ પંકજ રાધેશ્યામ ઉપાધ્યાય (33) તરીકે થઈ હતી. ડોમ્બિવલી પૂર્વમાં રહેતો ઉપાધ્યાય વિતરક અને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હોવાનું તપાસમાં જણાયું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી ઉપાધ્યાયને આ દવાઓ નકલી હોવાની જાણ હતી. આવી દવા લેવાથી દર્દીને જાનનું જોખમ હોવાની પણ તેને ખબર હતી તેમ છતાં તે ડિસ્ટ્રિબ્યુટ કરતો હતો.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ નકલી દવાઓનો સ્ટૉક મુંબઈના કાંદિવલી પૂર્વમાં રહેતા વિવેક અજયકુમાર રાયે (35) કથિત રીતે પૂરો પાડ્યો હતો. તપાસમાં રાયની સંડોવણી સામે આવતાં 16 ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)