Fri Sep 04 2026

Logo

મુંબ્રા અને દિવામાં ગેરકાયદે પાણીના જોડાણ વિરુદ્ધ પાલિકાની ઝુંબેશ

2026-07-30 20:11:44
Author: Sapna Desai
મુંબ્રા અને દિવામાં ગેરકાયદે પાણીના જોડાણ વિરુદ્ધ પાલિકાની ઝુંબેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણે મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગે મુંબ્રા અને દિવા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લેનારા પાણીના જોડાણ વિરુદ્ધમાં  ગુરુવાર, ૩૦ જુલાઈથી ત્રણ દિવસની વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત સર્વિસ સ્ટેશન, કમર્શિયલ વપરાશ, ખાનગી ટેન્કર ભરવા માટે લેવામાં આવેલા ગેરકાયદે પાણીના જોડાણ તેમ જ ઘરમાં લેવામાં ગેરકાયદે જોડાણ સામે આકરા પગલાં લેવામાં આવવાના હોવાથી તે માટે ખાસ બે ટીમની નિમણૂક કરવામાં આવી છે.

દિવા વિસ્તારમાં કલ્યાણ ફાટાથી વાય જંકશન પરિસરમાં ગેરકાયદે વ્યવસાયિક, સર્વિસ સ્ટેશન અને ખાનગી ટેન્કર માટે પાણીના જોડાણ તો મુંબ્રા વિસ્તારમાં વાય જંકશનથી મુંબ્રા ફાયર સ્ટેશન પરિસરના ગેરકાયદે જોડાણ સામે કાર્યવાહી કરવા માટે એક્ઝિક્યુટીવ એન્જિનિયરની નિમણૂક કરવામાં આવી હોઈ તેના નેતૃત્વમાં ટીમ તૈયાર કરવામાં આવી છે. 

આ ઝુંબેશ દરમ્યાન ગેરકાયદે પાણીના જોડાણ ખંડિત કરવામાં આવ્યા બાદ સંબંધિત વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવાની પ્રક્રિયા પણ અમલમાં મૂકવામાં આવવાની હોઈ ખંડિત કરવામાં આવેલા જોડાણ ફરી શરૂ કરવામાં આવે નહીં એની ખાસ તકેદારી લેવાની સૂચના પણ સંબંધિત અધિકારીઓને આપવામાં આવી છે.

થાણે મહાનગરપાલિકાના દિવા-મુંબ્રા પાણીપુરવઠા વિભાગ મારફત પાણીની ચોરી રોકવા માટે નાગરિકોને નિયમ અનુસાર અને પૂરતા દબાણ સાથે પાણીપુરવઠો સુનિશ્ર્ચિત કરવાના ઉદ્દેશ્યથી ગેરકાયદે જોડાણ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત મે, જૂન અને જુલાઈ ૨૦૨૬ આ ત્રણ મહિનામાં કુલ ૬૫ ગેરકાયદે નળના જોડા સામે કાર્યવાહી કરીને સંબંધિત ઠેકાણે પાણીપુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે.