Tue Jul 28 2026

Logo

થાણે કોર્ટે બાળકીની જાતીય સતામણીના કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો...

2026-02-18 17:46:44
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણેની કોર્ટે બાળકીની જાતીય સતામણીના કેસમાં 32 વર્ષના યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ કેસ બાળકીની માતા સાથે લગ્નના પ્રસ્તાવને લઇ થયેલા અંગત વિવાદમાંથી ઉદ્ભવ્યો હોય તેવું લાગે છે.

સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ ડી.એસ. દેશમુખે 13 ફેબ્રુઆરીએ આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે પીડિતાની માતા અને આરોપી રિલેશનશિપમાં હતાં. જ્યારે આરોપીએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો ત્યારે ઝઘડો થયો હતો.

પીડિતાને પહેલેથી શીખવાડવામાં આવ્યું હોવાની શક્યતા નકારી શકાય નહીં અને તેની જુબાની જાતીય સતામણી કરવા માટે આત્મવિશ્ર્વાસ પ્રેરિત કરતી નથી, એમ તેમાં જણાવાયું હતું.
તપાસકર્તા પક્ષ અનુસાર 11 ઑગસ્ટ, 2019ના રોજ આ ઘટના બની હતી, જ્યારે 10 વર્ષની પીડિતા તેની માતા સાથે મુંબ્રા વિસ્તારમાં બજારથી પાછી ફરી રહી હતી.

ચા વેચનારા આરોપી મોહંમદ નાસિર રેઇને પીડિતાને પાછળથી પકડી લીધી હતી અને તેની સાથે અશ્ર્લીલ વર્તન કર્યું હતું. પીડિતાની માતાએ વિરોધ કરતાં આરોપીએ તેની મારપીટ કરી હતી, જેને કારણે તેને ફ્રેક્ચર થયું હતું.

આરોપી મોહંમદ નાસિર વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.બચાવ પક્ષે દલીલ કરી હતી કે ફરિયાદી (પીડિતાની માતા) અને આરોપી લાંબા-સમયથી સંબંધમાં હતાં અને કાનૂની કાર્યવાહી બદલો લેવા જેવી હતી. 

કોર્ટે નોંધ્યું હતું કે પીડિતાની માતા બે વખત આરોપી સાથે લોજમાં ગઇ હતી અને લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવવાને કારણે આરોપી સાથે તેનો વિવાદ થયો હતો. (પીટીઆઇ)