થાણે: માર્ગ અકસ્માતમાં 2024માં જીવ ગુમાવનારા આસિસ્ટન્ટ સિક્યોરિટી મૅનેજરના પરિવારને થાણેની લોક અદાલતે એક કરોડ રૂપિયાનું વળતર અપાવ્યું હતું.પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. બી. અગ્રવાલે શનિવારે દાવેદારોને ચેક સુપરત કર્યો હતો.
અકસ્માતની ઘટના પચીસ સપ્ટેમ્બર, 2024ના રોજ બની હતી. આનંદ રાજન નાડર તેની બાઈક પર ઘરેથી નીકળીને ભિવંડીના પડઘા વિસ્તારમાં આવેલા કામના સ્થળે જઈ રહ્યો હતો. માર્ગમાં પેટ્રોલ પમ્પમાંથી સ્પીડમાં નીકળેલા ટેમ્પોએ નાડરની બાઈકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નાડરને ભિવંડીની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. નાડર એપ્રિલ, 2024માં આસિસ્ટન્ટ મૅનેજર (સિક્યોરિટી) તરીકે કંપનીમાં જોડાયો હતો. તે સમયે તેને વાર્ષિક 11 લાખ રૂપિયાનું વેતન હતું.
ઘટનાને પગલે નાડરની પત્ની અને વાલીઓએ ટેમ્પોના માલિક અને વીમા કંપની સામે મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. લોક અદાલતે બન્ને પક્ષ વચ્ચે આપસમાં દાવાની પતાવટ કરી હતી. (પીટીઆઈ)