Mon Jun 08 2026

Logo

થાણેમાં 34.18 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત:  મુખ્ય સપ્લાયર સહિત પાંચ જણની ધરપકડ

2026-05-22 18:21:32
Author: Yogesh D. Patel
Article Image

થાણે: કલ્યાણ પોલીસે જિલ્લામાં 34.18 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કરીને ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો અને મુખ્ય સપ્લાયર સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. એડિશનલ પોલીસ કમિશનર સંજય જાધવે જણાવ્યું હતું કે કલ્યાણ એન્ટિ-નાર્કોટિક્સ એક્શન ટીમે ઘણા સપ્તાહથી ચાલી રહેલા ઑપરેશન દરમિયાન અનેક રેઇડ પાડી હતી.

પહેલી એપ્રિલે સબ-ઇન્સ્પેક્ટર અનિલ ગાયકવાડની આગેવાની હેઠળ આ ટીમે શહાપુરના રહેવાસી કાસીમ અબ્દુલ સત્તાર વસઇકર (38) અને સાંગલેવાડી રોડના કૃષ્ણા નાગપ્પા હલેમની (36)ને તાબામાં લીધા હતા અને 9.2 કિલો હેરોઇન તથા રોકડ જપ્ત કર્યાં હતાં. બાદમાં આરોપી કાસીમ વસઇકરના નિવાસસ્થાનની તલાશી લેવામાં આવતાં વધુ 531.69 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું.

આરોપીઓની પૂછપરછમાં ગણેશન પુથ્થુસ્વામી જંગમર ઉર્ફે અણ્ણા (71) અને સદ્દામ ગફુર શેખ (32)નાં નામ સામે આવ્યાં હતાં. પોલીસે ગણેશન જંગમરને પાંચમી એપ્રિલે મુંબઈથી, જ્યારે સદ્દામ શેખને 6 એપ્રિલે કલ્યાણથી ઝડપી પાડ્યો હતો.

દરમિયાન એન્ટિ-નાર્કોટિક્સ એક્શન ટીમને 21 મેના રોજ મોટી સફળતા મળી હતી, જ્યારે પોલીસે મુખ્ય સપ્લાયર અને સૂત્રધાર અમજદ યુસુફ પઠાણ (27)ને નાશિક જિલ્લાના ઇગતપુરીથી ઝડપી પાડ્યો હતો. પઠાણ વિરુદ્ધ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 20થી વધુ ગુના, વસઇકર વિરુદ્ધ ત્રણ ગુના અને સદ્દામ શેખ વિરુદ્ધ સાત ગુના દાખલ છે. આરોપીઓના ફરાર સાથીદારોની પોલીસ હવે શોધ ચલાવી રહી છે. (પીટીઆઇ)