Thu Jul 23 2026

Logo

ગૅસ બિલને નામે એપીકે લિંક મોકલીને 9 લાખની ઠગાઈ

2026-06-05 18:19:24
Author: Yogesh C. Patel
Article Image

થાણે: મહાનગર ગૅસ બિલ પેમેન્ટ અપડેટ કરવાનું કહીને એક લિંક મારફત સાયબર ઠગે કલ્યાણના 57 વર્ષના રહેવાસીના ખાતામાંથી 9.08 લાખ રૂપિયા સેરવી લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ કથિત ઠગાઈ 19 મેથી પહેલી જૂન દરમિયાન થઈ હતી. કલ્યાણમાં રહેતા ફરિયાદીએ ગૅસ બિલ ઑનલાઈન ભર્યું હતું છતાં તેને બિલ ન ભર્યું હોવાનો મેસેજ આવ્યો હતો. મેસેજ સાથે એપીકે લિંક પણ હતી, જેના પર ક્લિક કરતાં ફરિયાદીના મોબાઈલમાં ‘ગૅસ બિલ’ નામે ઍપ્લિકેશન ઈન્સ્ટોલ થઈ ગઈ હતી. 

એપીકે (એન્ડ્રોઈડ પૅકેજ કિટ) ઍપ્સ ઈન્સ્ટોલ કરવા માટે એન્ડ્રોઈડ ફાઈલ ફોર્મેટ છે. ઍપ પરથી ફરિયાદીને તેના ડેબિટ કાર્ડ, નેટ બૅન્કિંગ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને 12 રૂપિયાની નજીવી ચુકવણી કરવા પ્રેરિત કરાયો હતો. પેમેન્ટ ફેઈલ થતાં મેસેજ મોકલનારે ફરિયાદીને તેના મોબાઈલ ફોનની સેટિંગ બદલવી પડશે.

સેટિંગ ચૅન્જ કરતાં જ ઠગને ફરિયાદીના મોબાઈલનું રિમોટ એક્સેસ મળી ગયું હતું. આ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાનમાં આવતાં ફરિયાદીએ કૉલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો હતો. જોકે પછી ગણતરીની મિનિટમાં જ ફરિયાદીના બૅન્ક ખાતામાંથી ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા 9.08 લાખ રૂપિયા ડેબિટ થઈ ગયા હતા.

આ પ્રકરણે ખડકપાડા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)