Thu Sep 03 2026

Logo

થાણેમાં પેટ્રોલ પંપ નજીક ગોળીબાર કરનારો પકડાયો

2026-03-31 19:58:00
Author: Yogesh C. Patel
થાણેમાં પેટ્રોલ પંપ નજીક ગોળીબાર કરનારો પકડાયો

થાણે: થાણેમાં પેટ્રોલ પંપ નજીક યુવક પર ગોળીબાર કરી ફરાર થઈ ગયેલો રેકોર્ડ પરનો આરોપી પકડાયો હતો.નૌપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અભય મહાજને જણાવ્યું હતું કે ઘટના 27 માર્ચની રાતે પાંચપાખાડી વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ નજીક બની હતી. ફરિયાદી ઈન્ઝમામ અમીરુદ્દીન સિદ્દીકી (26) સ્કૂટરમાં પેટ્રોલ ભરાવવા ગયો હતો. પાછા ફરતી વખતે તેને આરોપી ઝબિઉલ્લાહ શફીકુર રહમાન ખાને (39) રોક્યો હતો.

જૂની અદાવતનો મુદ્દો કાઢી આરોપીએ સિદ્દીકીની દિશામાં પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. સદ્નસીબે આ ગોળીબારમાં કોઈને ઇજા થઈ નહોતી. ગોળીબાર બાદ ધમકી આપી આરોપી ફરિયાદીના સ્કૂટર પર ફરાર થઈ ગયો હતો.ધરપકડથી બચવા આરોપીએ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ કરી નાખ્યો હતો. પોલીસ આરોપીના મિત્રો અને સગાંસંબંધીની પૂછપરછ કરી રહી હતી.

દરમિયાન મળેલી માહિતીને આધારે પોલીસે છટકું ગોઠવી આરોપીને થાણેના વાગળે એસ્ટેટ પરિસરમાંથી તાબામાં લીધો હતો. પોલીસે તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી દેશી બનાવટની પિસ્તોલ અને ફરિયાદીનું સ્કૂટર જપ્ત કર્યું હતું. આરોપી વિરુદ્ધ થાણેનાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આઠ જેટલા ગંભીર ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. કોર્ટે તેને બીજી એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઈ)