Fri Sep 11 2026

Logo

બસમાં પ્રવાસીઓની બેગમાંથી કીમતી વસ્તુઓ ચોરતી મહિલા ઝડપાઇ: લાખોના દાગીના જપ્ત

2026-05-14 17:58:49
Author: Yogesh D. Patel
બસમાં પ્રવાસીઓની બેગમાંથી કીમતી વસ્તુઓ ચોરતી મહિલા ઝડપાઇ: લાખોના દાગીના જપ્ત

થાણે: થાણેમાં બસમાં પ્રવાસ દરમિયાન અને સાર્વજનિક સ્થળે લોકોની બેગમાંથી કીમતી વસ્તુઓ ચોરનારી બે મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. બંને મહિલા વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ હોઇ તેમની પાસેથી 39.19 લાખ રૂપિયાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ ઝડપી પાડેલી બંને મહિલાની ઓળખ સંગીતા દશરથ પીઠકર (45) અને સુરેખા બજરંગ ગાયકવાડ (47) તરીકે થઇ હતી. મૂળ સોલાપુરની વતની બંંને મહિલા મુલુંડ પશ્ર્ચિમમાં રહે છે. 

થાણેના કલવા વિસ્તારમાં રહેનારી વૃદ્ધા અંજની સૂર્યવંશી (72)એ 3 સપ્ટેમ્બર, 2026ની સાંજના ઑઝોન વેલી બસસ્ટોપ જવા માટે ખારેગાંવ નાકાથી બસ પકડી હતી. બસમાં પ્રવાસ દરમિયાન આજુબાજુમાં ઊભેલી ત્રણ અજાણી મહિલાએ અંજની સૂર્યવંશીની બેગમાંથી 12 તોલા સોનાના દાગીના સાથેનું પર્સ ચોરી લીધું હતું. દાગીના ચોરાયાનું ધ્યાનમાં આવતાં અંજનીએ કલવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો.

દરમિયાન કેસની સમાંતર તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે ગુનામાં સંડોવાયેલી સંગીતા પીઠકર અને સુરેશ ગાયકવાડને ઝડપી પાડી હતી. બંને મહિલા વિરુદ્ધ કલવા, રાબોડી, થાણે નગર અને નૌપાડા પોલીસ સ્ટેશનમાં નવ ગુના દાખલ હોઇ તેઓ છેલ્લાં બે વર્ષથી ગુના આચરી રહી હતી, એવું તપાસમાં જણાયું હતું.