Mon Oct 05 2026

Logo

તેલંગાણામાં પાંચ વાહનોને ટક્કર મારી ખાનગી બસ હોટલમાં ઘૂસી, આગ લાગતાં 50થી વધુ લોકો ઘાયલ

2026-09-14 12:03:00
Author: Vimal Prajapati
તેલંગાણામાં પાંચ વાહનોને ટક્કર મારી ખાનગી બસ હોટલમાં ઘૂસી, આગ લાગતાં 50થી વધુ લોકો ઘાયલ

હૈદરાબાદઃ તેલંગાણામાં આવેલા રંગા રેડ્ડી જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. શમશાબાદમાં એક ટ્રક વીજળીના પોલ સાથે ટકરાઈ હતી. આ પછી એક બીજી બસ પણ વીજળીના પોલ સાથે અથડાઈ હતી. આ બસે રસ્તામાં ત્રણ કાર અને એક બાઈકને પણ જોરદાર ટક્કર મારી હતી. આ વાહનોને ટક્કર માર્યા બાદ બસ સીધી એક હોટલ અને દુકાનમાં ઘૂસી ગઈ હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ અકસ્માત દરમિયાન હોટલમાં ચુલો સળગી રહ્યો હતો, તેના કારણે બસમાં પણ આગ લાગી ગઈ હતી. 

અકસ્માતમાં કુલ 50થી વધારે લોકો ઘાયલ થયા

આ ભયંકર અકસ્માતમાં કુલ 50થી વધારે લોકો ઘાયલ થયાં છે. આ દરેક ઘાયલોને નજીકની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે શમશાબાદ પાસે આવેલા બેંગલુરુ-હૈદરાબાદ નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. પહેલા બેંગલુરુ જઈ રહેલા એક કન્ટેનર ટ્રક વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. તે પછી સામેથી આવી રહેલ ખાનગી બસ પણ આ જ વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. 

સ્થાનિકોએ સતર્કતા દાખવી આગ પર કાબૂ મેળવ્યો

અકસ્માત બાદ બસમાં આગ લાગી ગઈ હતી. જો કે, અચાનક લાગેલી આગને સ્થાનિકોએ સતર્કતા દાખવીને પાણી દ્વારા કાબૂમાં લઈ લીધી હતી. આ ગંભીર અકસ્માતમાં ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો છે. જ્યારે અન્ય વાહનોના ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચી છે. પોલીસે ઘાયલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તબીબોના જણાવ્યાં પ્રમાણે બસ ડ્રાઈવરની હાલત અત્યારે ખૂબ જ ગંભીર છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. 

 

અકસ્માત એટલો ગંભીર હતો કે, આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. એટલું જ નહીં પરંતુ હાઈવે પર ભારે ટ્રાફિકજામ પણ સર્જાઈ ગયો હતો. પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવ્યો ત્યારે ટ્રાફિકજામ કંટ્રોલ કરાવ્યો હતો. આ સાથે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પણ ખેસડવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં હજી કોઈનું મોત થયું હોવાનું સત્તાવાર પોલીસ દ્વારા કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.