Sun Aug 23 2026

Logo

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવા ટીનએજર મધ્ય પ્રદેશથી ફિલ્મ સિટી પહોંચ્યો

2026-08-08 20:11:57
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સોની ટીવી પર આવતી આસિત મોદી નિર્મિત લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવાની ઘેલછામાં 16 વર્ષનો ટીનએજર શાળાએ જવાને બહાને ઘરેથી નીકળ્યા પછી સીધો મુંબઈની ફિલ્મ સિટી પહોંચ્યો હતો. ફિલ્મ સિટી પાસે આંટા મારતા સગીરને વિશ્ર્વાસમાં લઈ પૂછપરછ કર્યા પછી પોલીસે તેના પિતાનો મધ્ય પ્રદેશમાં સંપર્ક સાધ્યો હતો.

આરે પોલીસના જણાવ્યા મુજબ ફિલ્મ સિટી પાસે આંટાફેરા મારતો એક છોકરો એ પરિસરથી અજાણ હોવાની જાણકારી પોલીસના નૉર્થ ક્ધટ્રોલ રૂમને મળી હતી. ક્ધટ્રોલ રૂમ દ્વારા આ અંગે આરે પોલીસને માહિતી આપવામાં આવી હતી. આરે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રવીન્દ્ર પાટીલના માર્ગદર્શન હેઠળની ટીમ તાત્કાલિક ફિલ્મ સિટી પહોંચી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશને લવાયેલા છોકરાએ તેનું નામ પારસ વર્મા (16) હોવાનું અને તે મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાનો રહેવાસી હોવાનું કહ્યું હતું. છોકરો સગીર વયનો હોવાથી તેને વિશ્ર્વાસમાં લઈ વધુ પૂછપરછ કરવામાં આવતાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરવાની ઇચ્છા હોવાથી તે મુંબઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું.

સગીરે પોલીસને કહ્યું હતું કે ગુરુવારની બપોરે બે વાગ્યાની આસપાસ તે છિંદવાડા રેલવે સ્ટેશનેથી સુપરફાસ્ટ ટ્રેનમાં નાગપુર પહોંચ્યો હતો. ત્યાંથી બીજી ટ્રેનમાં બેસીને તે શુક્રવારની સવારે સાડાનવ વાગ્યાની આસપાસ મુંબઈ આવ્યો હતો. પછી લોકલ ટ્રેનથી ગોરેગામ સ્ટેશને ઊતર્યો હતો અને ત્યાંથી ચાલતો ફિલ્મ સિટી પહોંચ્યો હતો.

પોલીસે સગીર પાસેથી તેના પિતાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. પિતાનો સંપર્ક સાધતાં શાળાએ જવા નીકળ્યા પછી દીકરો ઘરે પાછો ફર્યો ન હોવાનું કહ્યું હતું. દીકરાને પાછો વતન લઈ જવા પિતા મધ્ય પ્રદેશથી નીકળ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.