Mon Oct 05 2026

Logo

ટીમ ઇન્ડિયાને હવે આટલા દિવસનો આરામઃ કૅપ્ટન સૂર્યા કહે છે, વિશ્રામમાં અમે બધા...

2026-02-19 18:41:37
Author: Ajay Motiwala
ટીમ ઇન્ડિયાને હવે આટલા દિવસનો આરામઃ કૅપ્ટન સૂર્યા કહે છે, વિશ્રામમાં અમે બધા...

અમદાવાદઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે ટી-20 વર્લ્ડ કપમાં અપરાજિત રહીને ગ્રૂપ-એમાં લીગ રાઉન્ડ પૂરો કર્યો છે અને હવે ભારતીય ટીમની નજર રવિવાર, બાવીસમી ફેબ્રુઆરીએ સુપર-એઇટમાં ભારતનો મુકાબલો 2024ના રનર-અપ સાઉથ આફ્રિકા સામે થશે.

બુધવારે અમદાવાદમાં નેધરલૅન્ડ્સ સામે થોડો સંઘર્ષ કર્યા પછી ભારતે 17 રનથી વિજય મેળવ્યો હતો. હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેના રવિવારના મુકાબલા પહેલાં માત્ર એક દિવસ આરામ કરશે. બીજી રીતે કહીએ તો ગુરુવારે તેઓ અમદાવાદમાં રેસ્ટ-ડે મનાવી રહી છે અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમની આ એક દિવસની રજા વિશે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ` અમને એક જ દિવસનો બે્રક મળ્યો છે અને વિશ્રામના આ દિવસ બાદ અમે બધા ફરી કામ પર લાગી જઈશું.'

જોકે એક દિવસના આ આરામ (Rest) દરમ્યાન પણ ટીમ ઇન્ડિયા (Team India)ના ખેલાડીઓ આગામી મૅચની બાબતમાં કાર્યરત તો રહેશે જ. સૂર્યાએ કહ્યું, ` બેશક, અમે દરેક રીતે સારું રમી રહ્યા છીએ. જોકે ટીમ જીતે ત્યારે એમાંથી પણ કંઈક શીખવા મળતું હોય છે. અમારે કેટલીક બાબતોમાં હજી સુધારો કરવાની જરૂર છે અને આ એક દિવસના આરામ દરમ્યાન અમે હૉટેલની રૂમમાં બેસીને એ સુધારા વિશે ચર્ચા કરીશું.'

ભારતે માર્કરમની ટીમને 3-1થી હરાવેલી

બે મહિના પહેલાં ઘરઆંગણે ભારતે (India) સાઉથ આફ્રિકાને ટી-20 સિરીઝમાં 3-1થી પરાજિત કરી હતી. એ શ્રેણીમાં 19મી ડિસેમ્બરે પાંચમી અને અંતિમ મૅચ અમદાવાદમાં રમાઈ હતી જેમાં ભારતનો 30 રનથી વિજય થયો હતો. ભારતે તિલક વર્માના 73 રન અને હાર્દિક પંડ્યાના 63 રનની મદદથી પાંચ વિકેટે 231 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાની ટીમ વરુણ ચક્રવર્તીની ચાર તેમ જ જસપ્રીત બુમરાહની બે અને અર્શદીપ-હાર્દિકની એક-એક વિકેટને કારણે સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 201 રન કરી શકી હતી.

કયા દેશો લીગમાં અપરાજિત રહ્યા?

વર્તમાન વર્લ્ડ કપમાં ગ્રૂપ-એમાં ફક્ત ભારત તમામ ચાર મૅચ જીત્યું. એ સાથે, ભારતે સૌથી વધુ આઠ પૉઇન્ટ સાથે પોતાનો લીગ રાઉન્ડ પૂરો કર્યો અને સુપર-એઇટમાં પ્રવેશ કર્યો. ગ્રૂપ-સીમાં વેસ્ટ ઇન્ડિઝે ચારેચાર મૅચમાં વિજય મેળવ્યો અને આઠ પૉઇન્ટ સાથે સુપર-એઇટમાં એન્ટ્રી કરી. ગ્રૂપ-ડીમાં સાઉથ આફ્રિકાએ બધી ચાર મૅચ જીતીને ક્લીન રેકૉર્ડ જાળવ્યો અને સુપર-એઇટમાં સ્થાન મેળવ્યું. ગ્રુપ-બીમાં ઝિમ્બાબ્વે અપરાજિત રહ્યું. એની એક મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી, પરંતુ બાકીની ત્રણેય મૅચમાં ઝિમ્બાબ્વેનો વિજય થયો હતો અને છેલ્લે એણે સાત પોઇન્ટ સાથે લીગ રાઉન્ડ પૂરો કર્યો.