Mon May 11 2026

Logo

ટીસીએસમાં જાતીય સતામણી-ધર્માંતરનો કેસ: નિદા ખાનને 24 મે સુધીની જુડિશિયલ કસ્ટડી

2026-05-11 18:30:01
Author: Yogesh D Patel
Article Image

નાશિક: ટાટા કન્સલ્ટન્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના નાશિક યુનિટમાં મહિલાઓની જાતીય સતામણી અને ધર્માંતર માટે દબાણના કેસમાં નાશિક કોર્ટે આરોપી નિદા ખાનને 24 મે સુધીની જુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.

નિદા ખાનની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી તેને સોમવારે એડિશનલ સેશન્સ જજ કે. જી. જોશી સમક્ષ હાજર કરવામાં આવી હતી. નિદા ખાન ગર્ભવતી છે અને પોલીસે તેની વધુ કસ્ટડીની માગણી કરી નહોતી. આથી તેને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાઇ હતી અને ત્યાર બાદ તેને નાશિક રોડ સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવી હતી. 

ટીસીએસના નાશિક યુનિટમાંના કર્મચારીઓની ફરિયાદોને આધારે કેસ દાખલ થયા બાદ ફરાર થઇ ગયેલી નિદા ખાનની 7 મેના રોજ છત્રપતિ સંભાજીનગરથી ધરપકડ કરાઇ હતી.

નિદા ખાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ) ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે ફરિયાદી અનુસૂચિત જાતિની છે અને ખાને ધર્માંતર માટે તેના પર દબાણ કર્યું હતું.

આ મામલે નોંધાયેલા નવ એફઆઇઆરની તપાસ નાશિક પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એઆઇટી) દ્વારા કરવામાં આવી રહી છે. એક એફઆઇઆર દેવલાલી પોલીસ સ્ટેશનમાં અને આઠ મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.

પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદીએ જાતીય સતામણી, ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરવું, ધાર્મિક લાગણી દુભવવી, વિનયભંગ અને માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો છે.

દેવલાલી પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઇઆરમાં નામ આવ્યા બાદ ખાને ગયા મહિને સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેમાં તે ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. 2 મેના રોજ અરજી ફગાવી દેતા કોર્ટે જણાવ્યું હતું કે પીડિતાનું બ્રેઇનવૉશ કરવાની ‘વ્યવસ્થિત યોજના’ હોય તેવું લાગે છે.

(પીટીઆઇ)