Tue Jul 21 2026

Logo

ઈર્શાલગડ-પ્રબલગડ ટ્રેક પરના જંગલમાં ટીસીએસના 13 કર્મચારી રસ્તો ભૂલ્યા

2026-07-19 19:52:21
Author: Yogesh C. Patel
Article Image

રેસ્ક્યૂ ટીમની મદદથી પોલીસે રાતે હાથ ધર્યું સર્ચ ઑપરેશન: કર્મચારીઓને સુરક્ષિત નીચે લવાયા

નવી મુંબઈ: પનવેલમાં ઈર્શાલગડ અને પ્રબલગડ વચ્ચે ટ્રેકિંગ દરમિયાન ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના થાણે ઑફિસના 13 કર્મચારી ગાઢ જંગલમાં રસ્તો ભૂલી ગયા હતા. પનવેલ તાલુકા પોલીસે રેસ્ક્યૂ ટીમની મદદથી આખી રાત સર્ચ ઑપરેશન હાથ ધરી કર્મચારીઓને ઉગારી લીધા હતા.

પોલીસના જણાવ્યા મુજબ કર્મચારીઓના જૂથે શનિવારની સવારે ઈર્શાલગડ પર ટ્રેકિંગ શરૂ કર્યું હતું. કિલ્લા પર પહોંચ્યા પછી સાંજે નીચે ઊતરતી વખતે આ જૂથે માચી પ્રબલગડ તરફ જવાનું નક્કી કર્યું હતું. જોકે ગાઢ જંગલ અને ટેકરીવાળા માર્ગમાં કર્મચારીઓ રસ્તો ભૂલી ગયા હતા, જેને કારણે ગાઢ જંગલમાં તેમને માર્ગ સાંપડતો નહોતો.

અંધારુ થઈ ગયું હતું અને મોબાઈલ કનેક્ટિવિટી પણ ઓછી થવા લાગી ત્યારે તેમણે ઈમર્જન્સી હેલ્પલાઈન 112 કૉલ કરી મદદ માગી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. મદદ માટે કૉલ આવતાં જ પનવેલ તાલુકા પોલીસની ટીમ ડુંગરની તળેટીએ પહોંચી હતી. બીટ માર્શલ-4ના જવાન નીતિન સોનાવણે અને પ્રદીપ પોપટેએ રેસ્ક્યૂ ટીમની આગેવાની લીધી. એ સિવાય માચી પ્રબલ ગામના અનુભવી ગાઈડ્સની મદદ લેવાઈ હતી. હેલ્પ ફાઉન્ડેશનના રેસ્ક્યૂઅર્સને પણ બોલાવાયા હતા.

લપસણા માર્ગ, આકરા ઢાળવાળા ખડકો અને નબળી વિઝિબિલિટી વચ્ચે રેસ્ક્યૂ ટીમે અંધારામાં વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ શોધખોળ ચાલુ રાખી. આખરે રાતે 10.30 વાગ્યાની આસપાસ કર્મચારીઓના જૂથને શોધી કઢાયું હતું. પછી તેમને સુરક્ષિત રીતે ડુંગરની તળેટીએ લાવવામાં આવ્યા હતા.

ઉગારી લેવાયેલા કર્મચારીઓ નવી મુંબઈના જુઈનગર, વાશી, કામોઠે, નેરુળ, સાનપાડા તેમ જ મુંબઈના ભાંડુપ અને લોઅર પરેલના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે અપીલ કરી હતી કે ચોમાસામાં યોગ્ય નિયોજન, સ્થાનિક ગાઈડ અને પૂરતી સુરક્ષાની સાવચેતીઓ વિના અપરિચિત માર્ગો પર ટ્રેકિંગ કરવાનું લોકોએ ટાળવું જોઈએ.