ચેન્નાઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ની મતગણતરીના શરૂઆતી વલણોએ સમગ્ર દેશભરમાં ચર્ચાઓ શરૂ કરી છે. સુપરસ્ટારમાંથી નેતા બનેલા વિજયની પાર્ટી TVK એ અભૂતપૂર્વ સરસાઈ મેળવી રહી છે. માત્ર બે વર્ષ પહેલાં રચાયેલી આ પાર્ટીએ દાયકાઓ જૂની દ્રવિડિયન રાજનીતિના મજબૂત કિલ્લાઓને ધ્વસ્ત કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે તમિલનાડુમાં સત્તા બદલાશે અને વિજયની પાર્ટી સત્તામાં આવશે તેવું જણાઈ રહ્યું છે, અત્યાર સુધીના આંકડામાં ટીવીકે આગળ ચાલી રહી છે.
Axis My India ની આગાહી સાચી પડી
મતગણતરીના લેટેસ્ટ ટ્રેન્ડ્સ મુજબ, TVK રાજ્યની 234 બેઠકોમાંથી 110 બેઠકો પર આગળ ચાલી રહી છે, જે તેને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહેલી બતાવે છે. બીજી તરફ, સત્તાધારી DMK 48 બેઠકો પર અટવાયેલી જોવા મળે છે. નોંધનીય છે કે, મોટાભાગના એક્ઝિટ પોલ્સ ખોટા સાબિત થયા છે, પરંતુ Axis My India ની આગાહી અક્ષરશઃ સાચી ઠરતી દેખાય છે, જેમાં વિજયની પાર્ટીને 98-120 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો, અને ટીવીકે 110 બેઠકો પર આગળ ચાલી રહી છે.
વિજયની એન્ટ્રીએ આ સમીકરણો બદલી નાખ્યા
પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા ફેલિક્સ ગેરાલ્ડે સોમવારે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, TVK તમિલનાડુમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આ પરિણામો અપેક્ષિત હતા. તમિલનાડુની જનતા વર્તમાન પક્ષોના ભ્રષ્ટાચાર અને લૂંટની રાજનીતિથી કંટાળી ગઈ છે અને હવે તે TVK ને એક સક્ષમ વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યાં છે. તમિલનાડુના રાજકારણમાં દાયકાઓથી DMK અને ADMK નું વર્ચસ્વ રહ્યું છે. પરંતુ વિજયની એન્ટ્રીએ આ સમીકરણો બદલી નાખ્યા છે. જો આ વલણો પરિણામોમાં ફેરવાય છે, તો તે ભારતીય રાજનીતિની સૌથી મોટી ઉથલપાથલમાંથી એક ગણાશે.