ચેન્નઈઃ તમિલનાડુ વિધાનસભાના ચૂંટણી પરિણામો ગઈકાલે જાહેર થયા હતા. અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પોતાની પ્રથમ ચૂંટણીમાં જ 108 બેઠકો પર જીત મેળવીને રાજ્યમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે, પરંતુ 118ના બહુમતીના આંકડાથી હજુ પણ 10 બેઠક દૂર હોવાથી સત્તા સુધી પહોંચવાની રાહ જટિલ બની છે. આ દરમિયાન DMKના ઉમેદવારની માત્ર એક મતથી હાર થઈ હતી.
ચૂંટણીના ચોંકાવનારા ઉલટફેરમાં TVK ઉમેદવારે DMKના પ્રધાન KR પેરિયાકરુપ્પનને હરાવ્યા હતા. આ પરિણામ તમિલનાડુ ચૂંટણીની તિરુપત્તુર વિધાનસભા બેઠકનું છે. માત્ર એક વોટના અંતરથી થયેલી હાર-જીતની ખૂબ ચર્ચા થઈ રહી છે.
તમિલનાડુના સહકાર પ્રધાન પેરિયાકરુપ્પનને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના ઉમેદવાર શ્રીનિવાસા સેતુપતિ આર. સામે હાર મળી હતી. મતગણતરી પૂર્ણ થયા બાદ સેતુપતિ માત્ર એક વોટથી જીત્યા હતા. સેતુપતિને કુલ 83,375 વોટ મળ્યા અને KR પેરિયાકરુપ્પન માત્ર એક વોટથી પાછળ રહી ગયા હતા. બંનેનો વોટ શેર સમાન રહ્યો હતો.
તિરુપત્તુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તિરુમારન કેસીને 29,054 વોટ મળ્યા હતા. પેરિયાકરુપ્પનને EVM દ્વારા 82,191 વોટ અને પોસ્ટલ બેલેટ દ્વારા 1,183 વોટ મળ્યા. તેમને કુલ 83,374 વોટ મળ્યા અને તેમનો વોટ શેર 38.65% રહ્યો. તેવી જ રીતે, શ્રીનિવાસા સેતુપતિને EVM દ્વારા 83,010 અને બેલેટ પેપર દ્વારા 365 વોટ મળ્યા. તેમને કુલ 83,375 વોટ મળ્યા અને તેમનો વોટ શેર પણ DMK મંત્રીની જેમ 38.65% જ રહ્યો.
ઓટો-ડ્રાઈવર વિજય ધામુ સામે દિગ્ગજ નેતાની કારમી હાર! | Vijay Dhamu Royapuram | TVK
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 4, 2026
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી છે. વ્યવસાયે રિક્ષાચાલક એવા કે. વિજય ધામુએ રોયપુરમ બેઠક પરથી શાનદાર જીત મેળવીને ઈતિહાસ રચી દીધો છે. #VijayDhamu #thalapathyvijay… pic.twitter.com/dbSRnba5mL
છેલ્લા વોટે અપાવી જીત
મતગણતરી 30 રાઉન્ડમાં થઈ હતી. પ્રથમ રાઉન્ડથી લઈને છેલ્લે સુધી DMK ઉમેદવારની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી. શરૂઆતમાં બંને વચ્ચે મતોનું અંતર ઘણું વધારે હતું. DMK ઉમેદવારના સમર્થકોએ તો મીઠાઈઓ વહેંચવાનું પણ શરૂ કરી દીધું હતું, પરંતુ અંતે બાજી પલટાઈ ગઈ હતી
22મા રાઉન્ડ સુધી DMK ઉમેદવારને 68,122 વોટ અને TVK ઉમેદવારને 65,512 વોટ મળ્યા હતા. 23મા રાઉન્ડમાં DMK ઉમેદવારને 71,193 વોટ અને TVK ઉમેદવારને 68,956 વોટ મળ્યા હતા. 26મા રાઉન્ડમાં અચાનક TVK ઉમેદવાર આગળ નીકળી ગયા. તેમને 80,929 વોટ મળ્યા, જ્યારે DMK ઉમેદવારના કુલ વોટ 80,730 થયા હતા. 29મા રાઉન્ડમાં બંને ઉમેદવારો બરાબરી પર આવી ગયા, જેનાથી ધબકારા વધી ગયા હતા. 30મા રાઉન્ડના અંતે TVK ઉમેદવાર માત્ર એક વોટથી જીતી ગયા હતા.
આ પરિણામોએ રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જગાડી છે અને સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં દરેક વોટની કિંમત કેટલી મહત્વની છે.