તમિલનાડુના ચૂંટણી પરિણામો બાદ રાજ્યના રાજકારણમાં એક અણધાર્યો વળાંક આવ્યો છે. ટીવીકે (TVK) પાર્ટીના વડા સી. જોસેફ વિજયનને મુખ્યમંત્રી બનતા રોકવા માટે, DMK નેતૃત્વ તેમના કટ્ટર હરીફ એવા AIADMK ને બહારથી ટેકો આપવાનો ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે.
ચૂંટણીના આંકડા શું કહે છે?
234 બેઠકો ધરાવતી વિધાનસભામાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી. વિજયની પાર્ટી TVK ને સૌથી વધુ 108 બેઠક મળી છે. જો કે TVK ને બહુમતી માટે 118 બેઠકની જરુર છે. ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો DMKને 59 બેઠકો, AIADMKને 47 બેઠકો મળી છે. કોંગ્રેસ પાસે 5 બેઠકો છે અને પરિણામ બાદ તેણે TVKને ટેકો જાહેર કર્યો છે.
અન્ય પક્ષોની વાત કરીએ તો CPI, CPI(M) અને VCK પાસે 2-2 બેઠકો છે.
મહત્વનું છે કે વિજય બે બેઠકો પરથી જીત્યા હોવાથી તેમણે એક બેઠક છોડવી પડશે, જેના કારણે TVK ની અસરકારક સંખ્યા 112 રહી જશે. રાજ્યપાલ આર. વી. આર્લેકરે જણાવ્યું છે કે TVK પાસે હાલ સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી નથી.
નવું રાજકીય સમીકરણ
રિપોર્ટ મુજબ, AIADMK એ DMK નો સંપર્ક સાધ્યો છે જેથી જોસેફ વિજયને સત્તા પર આવતા રોકી શકાય. DMK ના વડા એમ. કે. સ્ટાલિને ધારાસભ્યો સાથેની બેઠકમાં આ અંગે ચર્ચા કરી છે અને ધારાસભ્યોએ આ બાબતે અંતિમ નિર્ણય લેવાની સત્તા સ્ટાલિનને આપી છે.
કિંગ મેકરની ભૂમિકામાં નાના પક્ષો
હવે CPI, CPI(M) અને VCK જેવા નાના પક્ષો ખૂબ મહત્વના બની ગયા છે. TVK અને AIADMK બંને આ પક્ષોનો ટેકો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. શુક્રવારે આ પક્ષો આંતરિક ચર્ચા બાદ પોતાનો અંતિમ નિર્ણય લે તેવી શક્યતા છે.
AIADMK માટે સત્તાનો રસ્તો
જો AIADMK ને સરકાર બનાવવી હોય, તો તેણે ભાજપના એકમાત્ર ધારાસભ્ય પર આધાર રાખવાને બદલે અન્ય પક્ષો જેવા કે PMK, AMMK, DMK, IUML અને ડાબેરી પક્ષોના ટેકાની જરૂર પડશે. જો આ વ્યાપક ગઠબંધન સાથે મળે, તો જ તેઓ બહુમતીનો આંકડો પાર કરી શકશે.
શું વિરોધી પક્ષો ગઠબંધન માટે તૈયાર છે?
જ્યારે VCK ના એક વરિષ્ઠ નેતાને પૂછવામાં આવ્યું કે શું તેમનો પક્ષ DMK-AIADMK વચ્ચેના આ જોડાણને ટેકો આપશે, ત્યારે તેમણે જણાવ્યું કે: “જ્યારે TVK ના નામે સત્તા પર મોટું જોખમ હોય, ત્યારે એક સ્થિર સરકાર બનાવવા માટે AIADMK અને DMK કેમ હાથ ન મિલાવી શકે?”