યુવતીને જબરદસ્તી ડાક બંગલાના પેસેજમાં લઈ જઈ હેવાનિયત આચરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગુજરાતના ઉમરગામ ખાતેથી પાછા ફરતી વખતે બાઈક સ્કિડ થયા પછી મદદ માટે ઊભેલી યુવતી સાથે પાંચ યુવકે કથિત સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની આઘાતજનક ઘટના તલાસરીમાં બની હતી. બૉયફ્રેન્ડને ધમકાવીને ભગાવી દીધા પછી યુવતીને બંધ પડેલા ડાક બંગલાના પેસેજમાં જબરદસ્તી લઈ જવાઈ હતી, જ્યાં પાંચ યુવકે હેવાનિયત આચરી હોવાનું જાણવા મળ્યું હતું.
તલાસરી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અજય ગોરડે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ઘટના રવિવારની રાતે બની હતી. આ પ્રકરણે 19 વર્ષની યુવતીએ નોંધાવેલી ફરિયાદને આધારે છ જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક શકમંદને તાબામાં લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર તલાસરીમાં રહેતી યુવતી બૉયફ્રેન્ડ સાથે ફરવા માટે બાઈક પર ઉમરગામ ગઈ હતી. રાતે પાછા ફરતી વખતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક તલાસરીના ખામગાવની હદમાં બાઈક સ્કિડ થઈ હતી, જેને પગલે બન્ને બાઈક પરથી જમીન પર પટકાયાં હતાં.
કહેવાય છે કે બાઈક ફરી ઊભી કરીને બન્ને ઊભાં હતાં ત્યારે ત્રણ આરોપી બાઈક પર ત્યાં આવ્યા હતા. આરોપીઓએ દમદાટી અને ધમકી આપીને યુવકને ત્યાંથી જતા રહેવાની ફરજ પાડી હતી. પછી આરોપીએ ફોન કરીને તેના અન્ય ત્રણ સાથીને બોલાવ્યા હતા. પોલીસ ફરિયાદ અનુસાર ધમકાવીને આરોપીઓ બાઈક પર જ યુવતીને નજીકના ડાક બંગલા લઈ ગયા હતા, જ્યાં પેસેજમાં પાંચ યુવકે તેની સાથે કુકર્મ આચર્યું હતું. એક યુવક પર આરોપીઓને મદદ કરવાનો આરોપ હોવાનું અધિકારીનું કહેવું છે.
આ મામલે યુવતીએ તલાસરી પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની 70(1) (ગૅન્ગ રૅપ) અને અન્ય સુસંગત કલમો હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. યુવતીને તબીબી તપાસ માટે હૉસ્પિટલે લઈ જવાઈ હતી. પ્રાથમિક ઉપચાર પછી યુવતીનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસપી) યતીશ દેશમુખ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આરોપીઓની ધરપકડ અને ઝડપી તપાસનો આદેશ તેમણે આપ્યો હતો.
મીરા રોડમાં બ્લૅકમેઈલ કરી સગીરા સાથે છ જણે દુષ્કર્મ આચર્યું
મુંબઈ: કપડાં બદલતી વખતે વીડિયો રેકોર્ડિંગ કરી લીધા પછી બ્લૅકમેઈલ કરીને 14 વર્ષની સગીરા સાથે છ જણે કથિત દુષ્કર્મ આચર્યું હોવાની આંચકાજનક ઘટના મીરા રોડમાં બની હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ સગીરા નવમા ધોરણમાં ભણે છે અને માતા સાથે મીરા રોડ પરિસરમાં રહે છે. જૂન મહિનામાં એ જ વિસ્તારમાં રહેતા પચીસ વર્ષના યુવકે સગીરાનો વીડિયો બનાવ્યો હતો. કહેવાય છે કે સગીરા કપડાં બદલતી હતી ત્યારે આરોપીએ તેનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું.
વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાદમાં મુખ્ય આરોપીએ વીડિયો તેના બે મિત્રને મોકલાવ્યો હતો. 26 અને 28 વર્ષના એ બન્ને મિત્રે પણ બ્લૅકમેઈલ કરી સગીરા સાથે કુકર્મ કર્યું હતું. એ જ રીતે આરોપીના અન્ય ત્રણ સાથીએ પણ વીડિયો મેળવીને સગીરા સાથે બળજબરી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.આ પ્રકરણે કાશીગાંવ પોલીસે છ જણ વિરુદ્ધ પોક્સો અને આઈટી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય ચારને પોલીસ શોધી રહી છે.