કામિની શ્રોફ
માનવ સહજ સ્વભાવ કહો કે માનસિકતા કહો કે બીજું કોઈ નામ આપો, પારકે ભાણે લાડવો મોટો દેખાય એ અનુભવે સિદ્ધ થયું છે. સહેલ સપાટાની બાબતે વિદેશયાત્રા બહેતર, એનો જોટો જડવો મુશ્કેલ વગેરે વગેરે પ્રશંસા પુષ્પોની સુગંધમાં જ અનેક લોકોનો ઉછેર થયો એ હકીકત છે. વિદેશની સારી-અલાયદી બાબતની વાહ વાહ કરવામાં કશું ખોટું નથી, પણ જેમ એક આંગળી વિદેશ સામે ચીંધવામાં આવે છે એમ બીજી આંગળી સ્વદેશ સામે પણ ચીંધવી જોઈએ.
આજની તારીખમાં આપણા દેશમાં એવા અનેક સ્થળ ઉપલબ્ધ છે જે જોઈને વિદેશીઓ પણ હરખાઈ જાય. વિદેશમાં ફરવાનો મોહ કોને ન હોય? પણ દરેકને આર્થિક રીતે એ પોસાતું ન હોય. વિદેશમાં મળતા આનંદને સમકક્ષ તો ક્યારેક વધુ મોજ કરાવતા સ્થળ આપણા દેશમાં જ ઉપલબ્ધ છે. કહે છે ને કે `ઢૂંઢને સે તો ભગવાન ભી મિલ જાતે હૈં' એ ન્યાયે થોડું સર્ચ (લેપટોપમાં કે મોબાઈલમાં) કરો તો અનેક વિકલ્પો હાજર થઈ જશે. માઉન્ટ આબુના પ્રવાસ દરમિયાન આ વાતનો વધુ એક વાર અનુભવ થયો.
વેક્સ મ્યુઝિયમ:
માઉન્ટ આબુમાં સરસ મજાના ટૂ બેડરૂમ વિથ એર કન્ડિશન્ડ એર બીએનબી ફ્લેટમાં હોટેલ કરતા ઓછા પૈસે રહેવાનો મોકો મળતા રાજી થયા. છોગામાં ફ્લેટ ઓનર પાસે કાર હોવાથી એ શોધવાની અને રેટની રકઝક કરવાની માથાકૂટમાંથી મુક્તિ મળી. ક્યાંય ઉતાવળ નહીં કરવાની ખાતરી સાથે પાંચ સ્થળે લઈ જશે એની બાંયધરી આપી.
સ્થળની યાદીમાં દેલવાડા દેરાસર, નખી લેક, ગુરુ શિખર, પાંચ શિવલિંગ ધરાવતું શ્રી સોમનાથ મહાદેવ મંદિર, અચલેશ્વર મહાદેવ અને સેલિબ્રિટી વેક્સ મ્યુઝિયમ. બાકીનાં બધાં સ્થળ વિશે જાણકારી હતી પણ આબુમાં વેક્સ મ્યુઝિયમ? કુતૂહલવશ ડ્રાઈવરને પૂછતાં ખબર પડી કે પંદરેક વર્ષથી વિદેશના વેક્સ મ્યુઝિયમ જેવું મ્યુઝિયમ અહીં શરૂ કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમના જન્મ સાથે જોડાયેલી નાનકડી કથા પણ રસપ્રદ છે.
મ્યુઝિયમની સ્થાપના લાભુરામ દેવાસી દ્વારા ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની કળા લાવવાના હેતુથી કરવામાં આવી હતી. લલિત દેવાસીની કલાત્મક કુશળતાના કારણે જ આજે માઉન્ટ આબુ અને લોનાવલા બંને જગ્યાએ આ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મ્યુઝિયમની અંદર પ્રવેશતા જ એક બોર્ડ નજરે પડે છે જેની ઉપર અંગ્રેજીમાં આ મુજબનું લખાણ છે: શિલ્પી લલિત દેવાસીનો જન્મ રાજસ્થાનના જાલોર જિલ્લાના એક ગામમાં થયો હતો. ફાઈન આર્ટ્સમાં ડિપ્લોમા મેળવ્યા પછી તેમણે શિલ્પો બનાવવાની શરૂઆત કરી.
સૌપ્રથમ 2009માં તેમણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ તૈયાર કરી. લંડન તેમ જ ન્યૂ યોર્ક, સિડની, દુબઈ, ટોક્યો સહિત વિવિધ શહેરોમાં માદામ તુસો વેક્સ મ્યુઝિયમ છે, પણ અનેક લોકો વિવિધ કારણસર એ સ્થળે જઈ એને માણી નથી શકતા. ભારતમાં અને એ પણ રાજસ્થાન અને આસપાસના વિસ્તારના લોકો એ જોવાનો આનંદ મેળવે એ આશય સાથે દસેક વર્ષ પહેલાં માઉન્ટ આબુમાં વેક્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું હતું. માઉન્ટ આબુ આવતાં સહેલાણીઓ આ મ્યુઝિયમ જોવા આવે છે અને હેરત પામે છે.
મહાનુભાવોની પ્રતિકૃતિ:
અન્ય વેક્સ મ્યુઝિયમની સરખામણીએ અહીં ઓછી સેલિબ્રિટી જોવા મળે છે. જોકે, આવી ફરિયાદ કરવાને બદલે સહેલાણીઓથી ઉમટતા આ નાનકડા નગરમાં આવું મ્યુઝિયમ જોવા મળે છે એનો આનંદ લેવાનો હોય. ભારતીય મહાનુભાવોમાં મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, સરદાર વલ્લભભાઈ પટેલ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નજરે પડે છે. દરેક પ્રતિકૃતિ તૈયાર કરવામાં ખૂબ જ ચીવટ અને સખત મહેનત ઊડીને આંખે વળગે છે.
વિજ્ઞાન સંબંધી ડૉ. એપીજે અબ્દુલ કલામ છે અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ડૉ. એલેક્ઝાન્ડર બેલ સુધ્ધાં છે. છત્રપતિ શિવાજી મહારાજ, શહીદ ભગતસિંહ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મોહમ્મદ રફીની હાજરી સુધ્ધાં છે. અન્ય વિદેશી મહાનુભાવોમાં અબ્રાહમ લિંકન, ચાર્લી ચેપ્લિન અને જેકી ચેન પણ છે. મ્યુઝિયમનો આનંદ લેતી વખતે એક વાત ખટકી કે જાણકારી આપતા સ્વયંસેવકો પાસે અત્યંત અધકચરી અને અમુક સાવ ખોટી જાણકારી હતી. સહેલાણીઓ સુધી સાચી અને સઘન માહિતી પહોંચે એને પ્રાધાન્ય આપવું જ જોઈએ. માઉન્ટ આબુ જાઓ ત્યારે આ મ્યુઝિયમની મુલાકાત અવશ્ય લેજો.
અન્ય આકર્ષણ:
મ્યુઝિયમની સાથે સાથે નાઈન ડી સિનેમા, હોરર હાઉસ, મિનિએચર વર્લ્ડ અને મિરર મેઝ જેવા આકર્ષણો પણ છે. સહેલાણીઓ માટે કોમ્બો ટિકિટની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પ્રત્યેક આકર્ષણની અલગ અલગ ટિકિટના 750 રૂપિયા છે, પણ 600 રૂપિયામાં કોમ્બો ટિકિટ ખરીદી બધાનો આનંદ લઈ શકાય છે. અમે મ્યુઝિયમ ઉપરાંત હોરર હાઉસ અને મિરર મેઝની મુલાકાત લીધી. આ બંને આકર્ષણ એના નામને સાર્થક કરનારા હતા. કમનસીબે એ દિવસે નાઈન ડી સિનેમા બંધ હતું.