Tue Jul 28 2026

Logo

તાપસી પન્નુ બોલીવુડમાં ઉંમરના ભેદભાવ પર ભડકી: કહ્યું શાહરૂખ ખાનને કહી શકો?

2026-06-07 16:08:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલા અભિનેત્રીઓ માટે ઉંમરનો ભેદભાવ એ એક મોટો પડકાર છે, જયારે બીજી તરફ પુરુષ અભિનેતાઓને ઉંમર નડતી નથી. તેમની મોટી ઉંમર હોવા છતાં 'રોમકોમ' ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવવાની તક મળે છે, જ્યારે ચોક્કસ ઉંમર પછી અભિનેત્રીઓ માટે તકો સીમિત રહી જાય છે.

અભિનેત્રી તાપસી પન્નૂએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ ભેદભાવ વિશે દિલ ખોલીને ચર્ચા કરી હતી. તાપસીએ બોલીવુડ અને સાઉથ એમ બંને ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. તેને બંને જગ્યાએ આ ભેદભાવ જોવા મળ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તાપસીએ જણાવ્યું હતું કે અમુક ખાસ રોલ માટે તેને ઉંમરના કારણે રિજેક્ટ કરવામાં આવી હતી. આ વિશે વાત કરતા તેણે આગળ કહ્યું કે જયારે તે 20-25 વર્ષની ઉંમરે બોલીવુડમાં આવી ત્યારે સારા રોલ મેળવવા માટે તેને ત્રણ-ચાર વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. 

તાપસીએ કહ્યું હતું કે, જયાં સુધી તમે પોતાની ઓળખ બનાવો છો ત્યાં તો તમે 30 વર્ષના થઇ ગયા હોવ છો, ત્યારબાદ તેઓ કહે છે કે, રોમ-કોમ ફિલ્મો માટે તમારી ઉંમર વધુ છે. આવા રોલ માટે વાસ્તવમાં કોઈ નાની ઉંમરની વ્યક્તિની જરૂર જ નથી હોતી. છતાં તેઓ નાની વયની અભિનેત્રીને લેવા માંગે છે. પુરુષો સાથે આમ થતું નથી, જે વાત બધાને ખબર છે. ઉંમરના આધારે ભેદભાવ થવો એ હકીકતમાં ગંભીર બાબત છે તેવું તાપસીનું માનવું છે.

તાપસીએ આગળ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેણે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ અભિનેત્રીઓ સાથે આ ભેદભાવ થતો જોયો છે. જયારે તેને કોઈ સિનિઅર એક્ટર સાથે કાસ્ટ કરવામાં ત્યારે નાની ઉંમરના એક્ટર સાથે કાસ્ટ કરવામાં આવે, ત્યારે નાની ઉંમરના એક્ટરો તેની સાથે કામ કરવા નહોતા ઈચ્છતા. તેઓ તાપસીને કહેતા કે તમે સિનિયર અભિનેતા સાથે કામ કરી ચૂક્યા છો તો હવે અમારી સાથે.

ત્યાર બાદ તાપસીએ બોલીવુડ વિશે વાત કરતા કહ્યું કે શાહરુખ ખાન માટે એવું બોલવાની હિમ્મત કોઈ ના કરી શકે. શાહરુખ ખાન સાથે કામ કર્યા પછી દરેક અભિનેત્રીની લાઈફ બદલાઈ જાય છે. આ રૂઢિવાદી વિચારધારા બોલીવુડમાં નથી પણ સાઉથમાં વધારે છે. તાપસીએ કહ્યું હતું કે ખૂબ સંઘર્ષ પછી તેણે આ સચ્ચાઈનો સ્વીકાર કરી લીધો હતો અને હવે તેણે એવા રોલ કરવાનું પસંદ કર્યું જેનાથી તેને આત્મસંતોષ મળે.

તાપસી પન્નુના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે અનુભવ સિંહાની લીગલ ડ્રામા ફિલ્મ 'અસ્સી'માં મોટા પડદે જોવા મળી હતી. બનારસ મીડિયા વર્ક અને ટી-સિરીઝ ફિલ્મના બેનર હેઠળ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને અનુભવ સિંહા દિગ્દર્શિત આ ફિલ્મમાં વકીલનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તે એક બળાત્કાર પીડિતાને ન્યાય આપવા માટે લડે છે. આ ફિલ્મમાં કાની કુસરુતિ, રેવતી, મનોજ પાહવા, કુમુદ મિશ્રા અને મહોમ્મદ જિશાન અય્યુબે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હતી.