કવર સ્ટોરીઃ
હેમા શાસ્ત્રી
બે દિવસ પછી, રવિવાર આઠ માર્ચ-આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે. મહિલા સશક્તીકરણ અને ‘આજકી નારી સબપે ભારી’ વગેરે વિષય પર ચર્ચાસત્ર-મનોમંથન વગેરે વગેરે થશે. કબૂલ કે એકવીસમી સદીના ત્રીજા દશકમાં નારી વિશ્વનો પાયો અગાઉની સરખામણીએ વધુ મજબૂત બન્યો છે, પણ સાથે સાથે એ વિશ્વની જે કલ્પના કરવામાં આવી હતી એના મૂર્તિમંત સ્વરૂપથી આપણે છેટા છીએ એ પણ એટલી જ સાચી વાત છે.
આ સંદર્ભમાં એકવીસમી સદીમાં સશક્ત અભિનેત્રી તરીકે ઊભરેલી તાપસી પન્નુની વ્યથાની નોંધ લેવી જોઈએ. ‘ચીલો ચાતરી નિર્માણ થતી મહિલાલક્ષી ફિલ્મો હવે લુપ્ત થવાને આરે છે’ એવી હૈયાવરાળ સાઉથની સાત ફિલ્મ કર્યા પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગરણ માંડનારી અભિનેત્રીએ વ્યક્ત કરી છે.
તાપસી પન્નુને કેવળ એક એક્ટ્રેસ તરીકે ઓળખવી બરાબર નહીં કહેવાય. ‘બેબી’,‘પિન્ક’ જેવી ફિલ્મોમાં મજબૂત મહિલાનો રોલ કરી એ પાત્રને પ્રભાવી તરીકે ઉપસાવવામાં સફળ રહેલી તાપસી ફિલ્મોનું નિર્માણ સુધ્ધાં કરે છે. હાલ ભૂષણ કુમાર નિર્મિત અને અનુભવ સિન્હા દિગ્દર્શિત એની ‘અસ્સી’ ફિલ્મ ખાસ્સી ચર્ચામાં છે. જોકે, વિવેચકોની વાહ વાહ મેળવનારી આ ફિલ્મથી ચિત્રપટ દર્શકોએ મોઢું ફેરવી લીધું હોવાનું ચિત્ર આ લખાય છે ત્યાં સુધીમાં ઊપસ્યું છે.
ત્રીસેક કરોડના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ 10 કરોડ સુધીના કલેક્શન સુધી પહોંચતા હાંફી ગઈ છે. રિલીઝ થયા પછીના બાર દિવસમાં એક રૂપિયાના રોકાણ સામે 33 પૈસાનો વકરો આ ફિલ્મના આર્થિક સ્તરે બાર વાગી ગયા હોવાનું સૂચવે છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થવાના એંધાણ છે.
ફિલ્મ ફ્લોપ થાય એનું દુ:ખ કોને ન હોય? જોકે, તાપસી ફિલ્મનાં આર્થિક સમીકરણો તેમજ એનાથી પોતાની કારકિર્દીને થઈ શકનારી અવળી અસરથી પણ એક ડગલું આગળ વિચારે છે.
મેઈનસ્ટ્રીમ તરીકે ઓળખાતી ટિપિકલ મસાલા ફિલ્મો (ચશ્મેબદ્દુર, જુડવા - 2) ઉપરાંત ઓફબીટ સિનેમા તરીકે ઓળખાતા હેતુલક્ષી (અલબત્ત, મનોરંજન ઉપરાંત) ચિત્રપટો (‘પિન્ક’ થી ‘અસ્સી’ સુધી)માં અવ્વલ અભિનેત્રી સાબિત થઈ ચુકેલી તાપસીએ ‘પિન્ક’ ઉપરાંત ‘થપ્પડ’ અને ‘મુલ્ક’ જેવી ફિલ્મોમાં કામ કરી સંતુલન જાળવી રાખવાની કોશિશ કરી છે. અલબત્ત, હકીકત એ છે કે એની ઓળખ ઓફબીટ સિનેમાની અભિનેત્રી તરીકે વધુ છે.
કમર્શિયલ ફિલ્મો માટે એની વિચારણા બીજા ક્રમે આવે એવી પરિસ્થિતિ છે. સરખામણી નથી કરવી, પણ સ્મિતા પાટીલ સાથે થયું હતું એ પ્રકારનો અનુભવ તાપસી પન્નુ કરી રહી છે. સત્યજિત રાય, શ્યામ બેનેગલ, જબ્બાર પટેલ જેવા દિગ્દર્શકો સાથે કામ કર્યા પછી એ સમયના બિગેસ્ટ સ્ટાર અમિતાભ બચ્ચન સાથે ‘નમકહલાલ’ અને ‘શક્તિ’ જેવી ફિલ્મોમાં ટિપિકલ હિરોઈનનો રોલ કર્યા પછી પણ સ્મિતા સાથે ઓફબીટ ફિલ્મોની અભિનેત્રીનું લેબલ ચોંટેલું જ રહ્યું. મેઈનસ્ટ્રીમની હીરોઈન તરીકે એને સ્વીકારવામાં ન આવી. સ્મિતા અને તાપસીનું અભિનય કૌશલ ધ્યાનમાં લીધા વિના આ મુદ્દે વિચાર થવો જોઈએ.
અર્થપૂર્ણ સિનેમા સાથે સંકળાઈ રહેવા તાપસી ચીલો ચાતરતી ફિલ્મોના રોલ સ્વીકારવાને પ્રાધાન્ય આપી અટકી નહીં. એ નિર્માત્રી બની અને ‘ધક ધક’ અને ‘બ્લર’ જેવી મહિલાપ્રધાન ફિલ્મોના નિર્માણમાં સહયોગી બની. એમાંથી ‘બ્લર’ તો થિયેટરમાં રિલીઝ જ ન થઈ સીધી ઓટીટી પ્લેટફોર્મ પર આવી. બીજી ફિલ્મ ‘ધક ધક’ રોડ એડવેન્ચર ડ્રામા હતી. સત્ય ઘટના પર આધારિત આ મહિલાલક્ષી ચિત્રપટમાં રત્ના પાઠક-શાહ, દિયા મિર્ઝા અને ફાતિમા સના શેખ જેવી નીવડેલી અભિનેત્રી હતી.
આત્મખોજ માટે મોટરબાઈક પર સવાર ચાર સન્નારીની આ ફિલ્મમાં રસપ્રદ વાર્તા સાથે થ્રિલ- રોમાંચની હાજરી સુધ્ધાં હતી, પણ આ ફિલ્મ જોવા માટે સિને પ્રેમીઓએ જરાય રોમાંચનો અનુભવ ન કર્યો. ‘અસ્સી’ના પણ લગભગ એવા જ હાલ થયા છે. આ સંદર્ભમાં તાપસીની વ્યથા સમજવી જોઈએ. અભિનેત્રી કહે છે કે ‘અમે હવે લુપ્ત થઈ જવાને આરે છીએ, નામશેષ થવાની તૈયારીમાં છીએ. અમે એટલે ‘અસ્સી’ જેવી ફિલ્મો. આજકાલ કમર્શિયલ સિનેમા એક નિયત આકાર કે ધોરણ અનુસાર બની રહી છે અને અમે (એટલે કે ‘અસ્સી’ જેવી ફિલ્મો) એ વ્યાખ્યામાં ફિટ નથી બેસતા.’
‘અસ્સી’ તાપસી પન્નુ-અનુભવ સિન્હાની ‘મુલ્ક’ અને ‘થપ્પડ’ પછી ત્રીજી ફિલ્મ છે. ‘મુલ્ક’માં મુસ્લિમ પરિવારના આત્મસન્માનની વાત કેન્દ્રસ્થાને હતી અને એ ફિલ્મને દર્શકોનો મોળો પ્રતિસાદ મળ્યો. એ વાર્તા આજે કાળબાહ્ય લાગી હોય, પણ ‘થપ્પડ’માં તો સાંપ્રત સમાજનું નિરૂપણ હતું. કથા- પટકથા તેમજ ડિરેક્શન અને એક્ટિંગમાં બળુકી ‘થપ્પડ’ પણ વ્યવસાયિક ધોરણે નિષ્ફ્ળ નીવડી.
એનું એક કારણ એ હોવું જોઈએ કે ફિલ્મમાં પતિ (પવૈલ ગુલાટી) પત્ની (તાપસી પન્નુ)ને લાફો મારે છે પણ એ લાફાની જબરદસ્ત વેદનાથી કણસે છે તો પતિ જ. હસબન્ડ લોકોને આ ફિલ્મ પસંદ ન પડે એ સમજી શકાય, પણ દરેક પ્રકારના લાડ લડાવનાર પતિ ક્યારેક લાફો ઠોકી દે તો એનું માઠું ન લગાડાય એવું માનતી પત્નીઓને પણ આ ફિલ્મ નહોતી ગમી અને કાનોકાન ખબર પડ્યા પછી થિયેટર સુધી અનેક જણ પહોંચ્યા જ નહીં.
એક એવી પણ દલીલ કરવામાં આવે છે કે ચીલો ચાતરતી ફિલ્મો થિયેટર પ્રદર્શન દરમિયાન ભોંયભેગી થતી હોય, દર્શકો એને પીઠ દેખાડી દેતા હોય પણ એ ઓટીટી પ્લેટફોર્મ પર આવે ત્યારે એને વિશાળ પ્રેક્ષકવર્ગ મળી જતો હોય છે. પ્રથમ નજરે આ દલીલમાં દમ છે, પણ તાપસી વાસ્તવિકતા રજૂ કરી સ્પષ્ટતા કરે છે કે ‘આવી ફિલ્મો ઓટીટી પર ધામધૂમથી રિલીઝ કરવામાં આવ્યા પછી સિને રસિકો એ જોશે એ વાત દિશાભૂલ કરનારી છે. સત્ય એ છે કે હવે ઓટીટી પણ આવી ફિલ્મો માટે વિશેષ ઉત્સુક નથી.
તેમનું ગણિત સ્પષ્ટ છે કે જે ફિલ્મ થિયેટરમાં ચાલી હોય એમાંથી જ પસંદગી કરવાની. થિયેટરના દર્શકો ઓટીટી પર લાવવા એ તેમની અગ્રતા છે. ધગધગતી ફિલ્મો જોવા માગતા દર્શકો અમારા ઓટીટી પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરી એના ગ્રાહક બને એમાં એમને રસ છે. એટલે જ કહું છું અમે લુપ્ત થવાને આરે છીએ, સિવાય કે ફિલ્મ જોતા દર્શકોના મનમાં એવી ભાવના ઊગે, એમને એવી ઈચ્છા થાય કે આવી ફિલ્મો પણ જોવી જોઈએ. ક્યારેક વાસ્તવિકતા જોવામાં પણ સાર છે એવી પ્રતીતિ પણ તેમને થવી જોઈએ.’
સિનેમાને ભાવતા ભોજન સાથે સરખાવી આ અભિનેત્રી - નિર્માત્રીનું કહેવું છે કે ‘કમર્શિયલ સિનેમા ‘મુગલાઈ’ (વૈવિધ્યપૂર્ણ વ્યંજન સાથેનું ભોજન) છે અને વિશાળ વર્ગને એના પ્રત્યે લગાવ છે, પણ સાથે સાથે ‘દાલ ચાવલ’ (સાદું અને પૌષ્ટિક ભોજન) પ્રકારની ફિલ્મો પણ બનવી જોઈએ અને દર્શકોએ એને જોવી જોઈએ.’
અલબત્ત, અંતિમ નિર્ણય તો પ્રેક્ષક માઈબાપ જ લેશે.