Thu Jun 11 2026

Logo

વર્લ્ડ કપની નોકઆઉટ મેચનો આ રેકોર્ડ 24 કલાકમાં જ તૂટી ગયોઃ ભારત-ઈંગ્લેન્ડ સેમીમાં બન્યો ક્યો નવો રેકોર્ડ ?

2026-03-06 11:20:00
Author: Mayurkumar Patel
Article Image

મુંબઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુંબઈમાં રમાયેલી ટી 20 વર્લ્ડ કપની બીજી નોકઆઉટ મેચમાં ટીમ ઈન્ડિયાનો માત્ર 7 રને રોમાંચક વિજય થયો હતો. આ મેચમાં વર્લ્ડ કપની નોકઆઉટ મેચનો રેકોર્ડ 24 કલાકમાં જ તૂટી ગયો હતો. બુધવારે ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ નોકઆઉટ મેચમાં ન્યૂઝીલેન્ડે 170 રનનો લક્ષ્યાંક માત્ર 12.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન કર્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે માત્ર એક વિકેટ ગુમાવીને 173 રન કર્યા હતા. ફિન એલન 33 બોલમાં આઠ સિક્સર સાથે 100 રન ફટકારીને અણનમ રહ્યો હતો. ફિન એલનનો આ રેકોર્ડ 24 કલાકમાં જ ધરાશાયી થયો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના જેકોબ બેથેલ છેલ્લી ઓવરમાં આઉટ થતાં અગાઉ  48 બોલમાં સાત સિક્સર અને આઠ ચોગ્ગા સાથે 105 રન ફટકાર્યા હતા. જેકોબ બેથેલે માત્ર 19 બોલમાં તેની અડધી સદી પૂરી  કરી હતી. વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં આ સંયુક્ત ઝડપી અડધી સદી હતી.બુધવારે જ ન્યૂઝીલેન્ડના ફિન એલને સાઉથ આફિકા સામે પણ 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 45 બોલમાં પોતાની સદી પણ પૂરી કરી હતી. ફિન એલન બાદ વર્લ્ડ કપની આ બીજી ઝડપી સદી હતી. 

ગુરુવારે મુંબઈમાં રમાયેલી રમાયેલી ટી20 વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં સાત વિકેટે 253 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં જેકોબ બેથેલની લડાયક સદી છતાં ઇંગ્લેન્ડ તેની 20 ઓવરને અંતે 246 રન પર અટકી ગયું હતું. આમ આ મેચમાં બંને ટીમે મળીને 499 રન કર્યા હતા. 

T20 વર્લ્ડ કપ 2026 કોણ જીતશે?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ દરેક દ્રષ્ટિકોણથી ઈતિહાસ રચતી જોવા મળશે. ભારતે પહેલેથી જ રેકોર્ડબ્રેક ચોથી વખત ફાઈનલમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચી દીધો છે. જો તેઓ જીતશે, તો તેઓ આવું કરનાર પ્રથમ યજમાન દેશ બનશે. ભારત સતત બે સીઝન જીતનાર અને ત્રણ ટાઇટલ જીતનાર પ્રથમ ટીમ પણ બનશે. ન્યૂઝીલેન્ડ પાસે પણ ઈતિહાસ રચવાની તક છે.  જો તેઓ જીતશે તો તેઓ પ્રથમ વખત ચેમ્પિયન બનશે. છેલ્લે આપણને 2021માં નવો T20 વર્લ્ડ કપ વિજેતા મળ્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાએ તેમનો ખિતાબ જીત્યો હતો.