Sat May 16 2026

Logo

સુરતમાં ઊંઘની ગોળી ખાઈને સ્વામિનારાયણના સાધુએ કર્યો આપઘાત

2026-05-16 14:22:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ શહેરમાં એક સ્વામિનારાયણ સાધુએ ઊંઘની ગોળી ખાઈને આપઘાત કર્યો હતો. લસકાણામાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરમાં રહેતા 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામીએ 26 એપ્રિલના રોજ મોટા પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. જેના કારણે તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. જે બાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને શુક્રવારના રોજ તેમનું નિધન થયું હતું. 

કાપોદ્રામાં આવેલા કલાકુંજ સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રિયદર્શન સ્વામી 26 એપ્રિલે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. 

સ્વામી છેલ્લે સુધી કેવી રીતે વાત કરતા હતા

ઘટના બાદ સામે આવેલા હરિભક્તોના વીડિયો મુજબ, સ્વામી છેલ્લે સુધી માત્ર ઈશારાથી જ વાત કરતા હતા. તેઓ ગોળીઓ ક્યાંથી લાવ્યા તે તપાસનો વિષય છે. ઘટના અંગે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા, સ્વામીની આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરવા માંગ કરવામાં આવી છે.

શું માંગ કરવામાં આવી

સમિતિ દ્વારા પોલીસને એક આવેદનપત્ર આપીને ઘટનાસ્થળની તપાસ કરવામાં આવે, સ્વામીની મોબાઈલ ડિટેલ્સ, મેસેજ, મંદિરના સીસીટીવી ફૂટેજ, મંદિરના તમામ સંતો અને સેવકોના નિવેદન લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ દ્વારા તેમને માનસિક ત્રાસ, ધમકી, દબાણ કે બ્લેકમેલ કરવામાં આવતા હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવા જણાવ્યું છે.

પોલીસે શું કહ્યું

લસકાણા પોલીસે સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં પ્રિયદર્શન સ્વામીએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. જોકે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ સામે આવશે.