રાજકોટઃ છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજકોટમાં કથિત પત્રકારને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ડીસીપી જગદીશ બાંગરવાએ પૂછપરછ દરમિયાન ખરાબ રીતે માર માર્યાનો અને બર્બરતા આચર્યાના આક્ષેપો થયા. આ કેસમાં હવે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સિવિલ હોસ્પિટલમાં દાખલ કથિત પત્રકારની વહારે આવ્યા છે. જેનો તેમણે એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો, પરંતુ શું વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ કેસમાં સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો છે કે નહીં? છેલ્લા બે ત્રણ દિવસથી જે વિગતો વર્તમાનપત્રોમાં અને વિઝ્યુઅલ મીડિયામાં ચર્ચાઈ રહી છે તે મુજબ લગભગ તમામ લોકોને સમગ્ર પ્રકરણની જાણ છે.
વટ માટે થઈ રહ્યાં છે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો!
સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં વાત જ્યારે વટે ચડે ત્યારે ભયંકર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થતા હોય છે. પરંતુ વાત જ્યારે સાબિત કરવાની આવે ત્યારે મેડિકલ સાયન્સના રિપોર્ટ ઉપર વાત જતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ અને જ્યારે પત્રકારે ફરિયાદ કરી હશે ત્યારે તેના તે સંદર્ભે સેમ્પલ લેવાયા હશે. ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટમાં મોકલાયા હશે. એકાદ વીકમાં કદાચ રિપોર્ટ આવે. આપેલા કોઈ પણ આક્ષેપ, દલીલ સન સની ફેલાવી શકે પરંતુ કોઈને દોષિત ન ઠેરવી શકે!
જીગ્નેશ મેવાણીએ પણ સમજવાની જરૂર છે કે સત્યાગ્રહ કરવો ત્યારે જ જરૂરી પણ હોય છે પરંતુ સત્યાગ્રહ શબ્દ ત્યારે જ સારો લાગે જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિ માટે કે મુદ્દા ઉપર તમે તંત્રની સામે અવાજ ઉઠાવવામાં આવે! જ્યારે આપણે કોઈ વ્યક્તિનો પક્ષ લઈએ છીએ ત્યારે તે વ્યક્તિી કુંડળી પણ જાણવી જરૂરી હોય છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ માટે લડત કરવી કેટલી વ્યાજબી ગણી શકાય?
પોલીસ તંત્રએ પણ સામે થોડું વિચારવું પડશે
આ કેસમાં પોલીસ તંત્રએ પણ સામે થોડું વિચારવું પડશે. ઘણીવાર એવું બને છે કે, મોટા ગુનાના અપરાધીઓની મહેમાનગતિ કરતા હોય છે અને સામાન્ય ગુનાના આરોપી સાથે બર્બરતા આચરવામાં આવતી હોય છે. પરંતુ મૂળ વાત એ છે કે, ગુનેગાર ગુનેગાર હોય છે! એટલે પોલીસ તંત્રએ એવી તો કાર્યવાહી કરવી જ પડશે કે, અધિકારીની ચેમ્બરમાં પ્રવેશ કરતા કોઈપણ ગુનેગારના પગ ધ્રૂજવા લાગે! એક ગુનેગારની મહેમાનગતિ અને બીજા ગુનેગાર સાથે બર્બરતા એ ના ચાલે! ગુનેગાર એ ગુનેગાર છે તેની સામે કાર્યવાહી જ થવી જોઈએ.
પોલીસ તંત્રએ કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જોઈએ
બર્બરતાની હદ સુધી ગુનેગારો સાબિત થયા પહેલા વ્યવહાર ન થવો જોઈએ. પોલીસ તંત્રએ કાયદાકીય કલમો એવી મજબૂત લગાડવી જોઈએ જેથી કરીને કોર્ટમાં વ્યક્તિને યોગ્ય સજા થઈ શકે. કોઈ પણ યુદ્ધ બે રીતે લડી શકાય. મગજથી લડાતુ યુદ્ધ સૌથી ખતરનાક હોય છે.
કોઈ પણ જ્ઞાતિના આગેવાન કે સામાજિક આગેવાને અપરાધી કે ફરિયાદીની ઓળખ જ્ઞાતિ તરીકે ન આપવી જોઈએ આવું મેવાણી કેમ સમજી ન શક્યા? કેમેરા સામે સારવાર માટે દાખલ થયેલા કથિત પત્રકાર આક્ષેપો કરે છે તે મેડિકલની દૃષ્ટિએ પણ સાબિત થવા જોઈએ. કોઈ પણ પ્રકારની તપાસ સિવાય કોઈના પર આક્ષેપ કરી શકાય નહીં! એ પણ ત્યારે જ્યારે તમે એક પ્રતિષ્ટિત પોષ્ટ પર છો! તમારી પાછળ મોટી સંખ્યામાં લોકો જોડાતો હોય તો તમારી પણ કોઈ જવાબદારી બને છે.
જીગ્નેશ મેવાણી અને ડીસીપી બાંગરવાના યુદ્ધ વચ્ચે અત્યારે સામાજિક ભાગલા થતા જાય છે. લોકો ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાને સપોર્ટ કરે છે આવા સંજોગોમાં જ્ઞાતિ કે સમાજ એકબીજાની સામસામે આવી જાય આવી પરિસ્થિતિ ન ઉભી થાય તે પણ સામાજિક આગેવાનો કે રાજકીય આગેવાનોએ જોવું જોઈએ. કારણ કે, કોઈ વ્યક્તિ જો ગુનેગાર છે તો પછી તેને જ્ઞાતિ સાથે જોડીને છાવરવો કેટલો યોગ્ય છે?