સુરતઃ ડાયમંડ નગરી સુરતની વરાછામાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં થયેલી લૂંટમાં પોલીસે બે આરોપીને ઉત્તર પ્રદેશને ઝડપી પાડ્યા હતા. જે બાદ સુરત લાવીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે મુજબ લૂંટ બાદ આરોપીઓ પોલીસથી બચવા ભરૂચ તથા સોમનાથ સુધી પહોંચી ગયા હતા. જોકે, હજુ પણ 48 લાખથી વધુની રોકડ રકમ અને લૂંટમાં વપરાયેલા હથિયારો કબજે કરવાના બાકી હોવાથી પોલીસે માસ્ટરમાઇન્ડ કુંદન પાઠક સહિત અન્ય સાત ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
લૂંટારૂઓ શુભમ ઠાકુર અને વિકાસસિંહને ત્રણ દિવસ પહેલાં પકડવામાં આવ્યા હતા. આ બંને આરોપીને ગુરુવારે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ એ દલીલો કરી હતી કે, કુંદન પાઠક સાથે લૂંટારૂઓ કંઈ રીતના સંપર્કમાં આવ્યા અને કોઈ ગેંગ અથવા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સાથે જોડાણ છે કે નહી તેની તપાસ જરૂરી છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ રિકવર કરવાની જરૂર છે.
અન્ય આરોપીઓ સૌરભ, એલેક્સ ઉર્ફે સુમિત ગાંધી, વિજય,સુમિત મુકેશ અને પ્રિન્સને પકડવા હાલના આરોપીઓની કસ્ટડીની જરૂર છે.ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની છે.
ગુનામાં વપરાયેલી બાઈકોમાં લગાડવામાં આવેલી ડુપ્લીકેટ નંબર પ્લેટો ક્યાંથી ખરીદી અને કોને બનાવીને આપી, અન્ય કોઈ જગ્યાએ લૂંટ કરી છે કે કેમ તેની તપાસ કરવાની છે. લૂંટ બાદ અત્યાર સુધી કોણે આશરો આપ્યો તેની તપાસ કરવામાં આવશે.
આરોપી શુભમ જહાંગીરાબાદ, ભરૂચ તેમજ સોમનાથ રોકાયેલો હતો, ત્યાં તેણે કોણે આશરો આપ્યો તેની તપાસ કરવામાં આવશે.. અફજલ નામના યુવકના બેંક એકાઉન્ટમાં 90 હજાર મંગાવવામા આવ્યા હતા તેની તપાસ થશે. વકીલની દલીલો બાદ કોર્ટે આરોપીના 14 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસે પકડેલા શુભમ અને વિકાસસિંહની પૂછપરછમાં સુરત ખાતે રહેતા ચંદન ઉર્ફે જેક ઉર્ફે દિપક નામના વ્યક્તિએ તેમને આશરો હોવાની કબુલાત કરી હતી. ક્રાઈમ બ્રાંચ પોલીસે ચંદન ઉર્ફે જેક સુધી પહોંચવા ચક્રોગતિમાન કર્યાહતા.
આ ઉપરાંત આ બંને આરોપીઓએ અન્ય આરોપીઓના અધૂરા નામની કબુલાત કરી હતી. જેઓના નામ સૌરભ, એલેક્સ ઉર્ફે સુમિત ગાંધી, વિજય,સુમિત મુકેશ અને પ્રિન્સ હોવાનું તેઓએ જણાવ્યું હતું.