Mon Oct 05 2026

Logo

સુરતના પાંડેસરામાં 'બોગસ ડોક્ટર'ની ક્લિનિક પર દરોડાઃ 8 બનાવટી ગઠિયા પકડાયાં

2026-09-17 18:53:34
Author: Vimal Prajapati
સુરતના પાંડેસરામાં 'બોગસ ડોક્ટર'ની ક્લિનિક પર દરોડાઃ 8 બનાવટી ગઠિયા પકડાયાં

ડમી દર્દીઓ મોકલીને પોલીસે કર્યો પર્દાફાશ, મેડિકલ ડિગ્રી વિના ચલાવતા હતા ક્લિનિક

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તબીબી ક્ષેત્રે મોટો ખેલ ચાલી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બહારથી સામાન્ય દવાખાના જેવા દેખાતા આ ક્લિનિકોમાં રોજબરોજ સેંકડો દર્દીઓ ઈલાજ કરાવવા આવતા હતા, પરંતુ તેમની સારવાર કરી રહેલા લોકો પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી જ નહોતી, જેથી સુરત એસઓજી અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે આ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે એક ખાસ પ્લાન બનાવ્યો અને 8 બોગસ-મુન્નાભાઈ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

ડમી દર્દીઓ મોકલીને પહેલાં સત્યતા ચકાસી

મળેલી માહિતી ગંભીર હોવાથી પોલીસે ઉતાવળમાં સીધા દરોડા પાડવાને બદલે પહેલાં તપાસ મજબૂત કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે શંકાસ્પદ ક્લિનિકમાં ડમી દર્દીઓ મોકલવામાં આવ્યા. એટલું જ નહીં, આ ડમી દર્દીઓ દ્વારા ખાતરી કરવામાં આવી હતી કે ત્યાં સારવાર આપનાર વ્યક્તિ પાસે યોગ્ય મેડિકલ શૈક્ષણિક લાયકાત છે કે નહીં. આ તપાસમાં આરોપો સાચા સાબિત થતાં જ ૩ અલગ-અલગ ટીમ બનાવીને એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

શંકાસ્પદ ક્લિનિકોમાં ડમી દર્દીઓ મોકલ્યા

પાંડેસરાના જુદા જુદા વિસ્તારોમાં એકસાથે દરોડા પાડીને કુલ 8 બોગસ ડોક્ટરને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓની લાયકાત સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કેટલાક આરોપીઓ માત્ર ધોરણ 12 સુધી જ ભણેલા છે. અમુક આરોપીઓએ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું પણ તેમની પાસે તબીબી તાલીમ નહોતી. પોલીસના જણાવ્યાં પ્રમાણે કેટલાક આરોપીઓ ભૂતકાળમાં હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર કે ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂક્યા હતા, અને તે અનુભવના આધારે પોતે જ ડોક્ટર બની બેઠા હતા.

આ આરોપીઓ છેલ્લા 2 વર્ષથી લઈને 10 વર્ષથી કોઈ પણ જાતના ડર વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતા એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સીરપ અને અન્ય મેડિકલ સાધનો સહિત કુલ 98,825 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ પણ શરૂ કરી દીધું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

14 વર્ષના કિશોરના મોત સાથે કનેક્શનની તપાસ  

ઝડપાયેલા આરોપીઓમાં પાર્થ દેવનાથ નામનો શખ્સ પણ સામેલ છે. તેની સામે એક પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેના ખોટા ઇલાજના કારણે 14 વર્ષના એક સગીર બાળકનું મોત નીપજ્યું હતું. સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના જણાવ્યા મુજબ, બાળકનું મોત કયા કારણોસર થયું અને તેમાં પાર્થ દેવનાથની દવાની કોઈ આડઅસર હતી કે નહીં તેની તપાસ ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે, આટલા વર્ષો સુધી આ બોગસ ડોક્ટરો કઈ રીતે ક્લિનિક ચલાવતા હતા અને તેમની પાસે દરરોજ કેટલા દર્દીઓ આવતા હતા તે દિશામાં પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.