(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં 84 વર્ષીય આમેનાબેનનો તેમનાં ફ્લેટમાં લોહીલુહાણ મૃતદેહ મળ્યો હતો. આમેનાબહેન તેમનાં નાના બહેન (71)ના ઘરે વિધનેશ્વર એસ્ટેટમાં રહેતાં હતાં અને રોજ સવારે પોતાના ફ્લેટ પર એકવાર આવતાં. બન્ને બહેનો મુંબઈ જવાની હોવાથી આમેનાબહેન તૈયારીઓ માટે સોમવારે પોતાના ફ્લેટમાં આવ્યા હતાં, પરંતુ પરત ન ફરતાં તેમની ખબર લેવા ગયેલાં તેમનાં બહેને તેમનો મૃતદેહ ફ્લેટમાં લોહીલુહાણ હાલતમાં જોયો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
સવારે સાડા નવ વાગ્યાના ગયેલાં આમેનાબહેન સાથે બપોરે અઢી વાગ્યા આસપાસ તેમનાં બહેન દુરરીયા સિરાજ મોતીવાલાએ વાત પણ કરી હતી. સાંજ સુધી તેઓ પરત ફર્યા નહીં આથી, દરરીયાબહેન તેમનાં ફ્લેટ પર ગયાં હતાં અને ડુપ્લિકેટ ચાવીથી ઘર ખોલ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. વૃદ્ધ મહિલાનાં પોસ્ટમોર્ટમ પ્રમાણે તેમનું ગળું દબાવવામાં આવ્યું હતું. આ સાથે તેમના માથા પર ભારે સાધનથી વાર કરવામાં આવ્યો હતો અને તેમની પાંસળીઓમાં પણ ઈજા પહોંચી હતી.
તેમનાં બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસ આસપાસની ઈમારતોના ફૂટેજ ચેક કરી રહી છે. આ સાથે કામવાળી, આસપાસના લોકો સહિત તમામના નિવેદન લેવામાં આવી રહ્યા છે.
મળતી વિગતો અનુસાર આમેનાબહેનનાં પતિનું 40 વર્ષ પહેલા નિધન થયું હતું અને ત્યારબાદ તેમનાં એકમાત્ર અપણિત પુત્ર શબ્બીરનું પણ 2017માં નિધન થયું હતું. ત્યારબાદ તેઓ એકલવાયું જીવન જીવતાં હતા. તેમની હત્યા બાદ તેમનો મોબાઈલ ગુમ છે અને હત્યારો ઘરને તાળું દઈ ભાગી ગયો છે. હાલમાં પોલીસને કોઈ પરિચિત વ્યક્તિએ જ આ હત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે.