અમદાવાદઃ સુરત શહેરના નાસિરનગર ડિમોલિશનના પીડિતોની અરજીની સુનાવણી સમયે ગુજરાત હાઈકોર્ટે વારંવાર સુરત મહાનગરપાલિકા કમિશનરને તપાસ દરમિયાન પદ પરથી હટાવવાની ટકોર રાજ્ય સરકારને કરી હતી. આખરે રાજ્ય સરકારે સુરત મનપાના કમિશનર નાગરાજન એમ.ની બદલની આદેશ આપ્યા હતા.
ગુજરાત સરકારે મંગળવારે ત્રણ આઈએએસ અધિકારીની બદલી અને મુખ્ય વહીવટી હોદ્દાઓ પર ફેરફાર કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં સમગ્ર શિક્ષા અભિયાનના રાજ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર અને સુરતના મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ થાય છે.
સામાન્ય વહીવટ વિભાગ (પર્સનલ) દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ, સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગરના રાજ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા રણજીત કુમાર જે.ની બદલી કરવામાં આવી છે. તેમને ગુજરાત વીજળી નિયમનકારી આયોગ,ગાંધીનગરના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે નાગરાજન એમ.ને રણજીત કુમારના સ્થાને સમગ્ર શિક્ષા અભિયાન, રાજ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નાગરાજનની બદલી બાદ સુરતના કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે વધારાનો હવાલો સંભાળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના ગેરકાયદે નાસિરનગર ડિમોલિશન બાદ મામલો હાઈકોર્ટમાં જતા કોર્ટે સમગ્ર પ્રકરણ અને તેની તપાસ સામે ઘણા ગંભીર સવાલો ઊભા ગયા હતા. ગત સુનાવણી વખતે કોર્ટે જણાવ્યું હતું કે જો સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના સિનિયર અધિકારીઓ તપાસ દરમિયાન તેમના પદ પર રહેશે તો ડિમોલિશનની તપાસ એક ફારસ (હાસ્યાસ્પદ રમૂજ) બની રહેશે. કોર્ટે નોંધ્યું હતું કે જો સરકાર ખરેખર ન્યાય ઈચ્છતી હોય તો તેમણે કમિટી તપાસ કરે ત્યાં સુધી સુરત મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સહિતના સિનિયર અધિકારીઓને પદ પર રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં.