અમદાવાદઃ સુરતવાસીઓની મેટ્રોમાં મુસાફરી કરવાની ઈચ્છા ટૂંક સમયમાં પૂરી થશે, તેમ જણાઈ રહ્યું છે. શહેરના ડ્રીમ સિટી અને અલ્થાન ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિમીના તબક્કાનું કામ પૂરું થશે. શહેરમાં ઉત્તર-દક્ષિણ કોરિડોર-1નું કામ ચાલી રહ્યું છે.
આ રૂટ પર ટ્રાયલ રન પહેલાથી જ ચાલી રહ્યો છે, જે દરમિયાન વિવિધ મેટ્રો સિસ્ટમ્સનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ટ્રાયલ પછી, બાકીની ટેકનિકલ અને વહીવટી ઔપચારિકતાઓ વહેલી તકે પૂર્ણ કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે, તેમ મેટ્રો સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.
જો ચાલુ પ્રક્રિયાઓ યોજના મુજબ પૂર્ણ થાય છે, તો ડ્રીમ સિટી અને અલ્થાન વચ્ચે મેટ્રો સેવાઓ દિવાળીની આસપાસ અથવા નવેમ્બરના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે.
મળતી માહિતી અનુસાર શહેરને આધુનિક અને ઝડપી જાહેર પરિવહન વ્યવસ્થા પૂરી પાડવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા ₹12,020 કરોડનો સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. કોરિડોર-1 હેઠળ ડ્રીમ સિટી અને અલથાણ વચ્ચે મેટ્રો કામગીરી શરૂ કરવા માટે જરૂરી મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે.
કોરિડોર-1 ના અન્ય ભાગો પર પણ કામ ચાલી રહ્યું છે. ચોક બજાર અને સ્ટેશન વિસ્તાર વચ્ચે ભૂગર્ભ મેટ્રો ટનલનું બાંધકામ હાલમાં ચાલી રહ્યું છે. ટનલનું કામ પૂર્ણ થયા પછી, સુરતના રહેવાસીઓ શહેરના ભૂગર્ભ વિભાગમાંથી મેટ્રો મુસાફરીનો પણ અનુભવ કરી શકશે.