વડોદરા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો કોઈ રસ્તા પરથી પસાર થવાનો હોય તો તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવે એ સ્વભાવિક છે, જેમાં રસ્તાની સફાઈથી લઈને લાઇટિંગ અને સુરક્ષા સુધીની વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. પરંતુ ડભોઈમાં કંઈક અલગ જ જોવા મળ્યું હતું. 31 ઓક્ટોબરના PM મોદીનો કાફલો જે રસ્તા પરથી પસાર થયો હતો, ત્યાં એક-બે નહીં પરંતુ 12 સ્ટ્રીટ લાઇટ બંધ હતી. આ બેદરકારી સામે આવ્યા બાદ ડભોઈ નગરપાલિકાના એક કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટ વિભાગની જવાબદારી સંભાળતા કર્મચારીને 6 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
31 ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એકતા નગર ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીંના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડા પ્રધાન અને અન્ય મહાનુભાવોએ વાપસી કરવા માટે હેલિકોપ્ટરને બદલે રોડ માર્ગે જવાનું પસંદ કર્યું હતું. જોકે, સાંજનો સમય થઈ ગયો હોવાથી તેઓ અંદાજે 90 કિલોમીટરનો રસ્તો કાપીને વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનો કાફલો ડભોઈથી પસાર થયો ત્યાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થામાં ખામી જોવા મળી હતી.
12 સ્ટ્રીટ લાઇટ બંધ મળી!
ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું કે સિનોર ક્રોસ રોડથી ભોગોળ વિસ્તાર થઈને સરિતા બ્રિજ સુધીના રસ્તા પર 12 સ્ટ્રીટ લાઇટ બંધ હતી. આ ઉપરાંત કેટલીક લાઇટો ચાલુ-બંધ થઈ રહી હતી. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ વિવિધ વિભાગોને જરૂરી કામગીરી સોંપી હતી. તેમાં રસ્તાની સફાઈ, રખડતાં પશુઓને નિયંત્રિત કરવા અને સ્ટ્રીટ લાઇટનું સમારકામ કરાવવાની જવાબદારી પણ સામેલ હતી. આમ છતાં સ્ટ્રીટ લાઇટની યોગ્ય વ્યવસ્થા ન થતાં નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા જવાબદાર કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે.
કર્મચારીને 6 દિવસ માટે સસ્પેન્ડ કરાયા
ડભોઈ નગરપાલિકાના મુખ્ય અધિકારી વિરાજ શાહે લાઇટિંગ વિભાગના ઇન્ચાર્જ ક્લાર્ક મહેશ વસાવાને સસ્પેન્શનનો આદેશ આપ્યો છે. તેમની સામે ફરજમાં બેદરકારી રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ 48 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મહેશ વસાવાને 6 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આવતીકાલે હાજર રહી આપવો પડશે જવાબ
સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થયા બાદ મહેશ વસાવાને સક્ષમ અધિકારી સમક્ષ હાજર રહી પોતાની બેદરકારી અંગે ખુલાસો આપવા જણાવાયું છે. તેમને આવતીકાલે સવારે 11 વાગ્યે વ્યક્તિગત સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે. આદેશમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહેશ વસાવા સામે અગાઉ પણ અનેક વખત ફરિયાદો મળી હતી. તેમની પાસે રહેલી વધારાની જવાબદારીઓ અને ચાર્જ પણ પાછા લેવાશે.
ડભોઈમાં અનેક મુખ્ય રસ્તાઓમાં અંધારપટ્ટ
ડભોઈ વિસ્તાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વડોદરાને જોડતા માર્ગની નજીક આવેલો છે. અહીંથી અનેક મુખ્ય રસ્તાઓ પસાર થાય છે. આ કારણે વિસ્તારના રસ્તાઓ પર યોગ્ય લાઇટિંગ અને અન્ય સુવિધાઓ જાળવવી જરૂરી છે. હાલમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના મામલે નગરપાલિકાના કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાએ સરકારી તંત્રમાં જવાબદારી અને કામગીરી અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે.