Thu Nov 19 2026

Logo

નકલી નોટોનું કૌભાંડ! YouTube પરથી શીખ્યાં છાપકામ! પોલીસે જપ્ત કરી રૂ. 6.78 કરોડની બનાવટી નોટો

2026-11-05 10:28:00
Author: Vimal Prajapati
નકલી નોટોનું કૌભાંડ! YouTube પરથી શીખ્યાં છાપકામ! પોલીસે જપ્ત કરી રૂ. 6.78 કરોડની બનાવટી નોટો

હૈદરાબાદ: યુટ્યુબ અને સોશિયલ મીડિયા પરથી ટ્યુટોરિયલ જોઈને નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ચલાવતી એક શાતિર ગેંગનો તેલંગાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. હૈદરાબાદના સરહદી વિસ્તારમાં ભાડાના મકાનમાં ધમધમતી નકલી નોટોની આ ફેક્ટરીમાંથી પોલીસે રૂપિયા 6.78 કરોડની નકલી ચલણી નોટો જપ્ત કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે.

રામોજી ફિલ્મ સિટી નજીકથી ઝડપાઈ કાર

વધારે વિગતે વાત કરવામાં આવે તો, 1 નવેમ્બરના રોજ અબ્દુલ્લાપુરમેટ પોલીસ અને શાફીનગ૨ સ્પેશિયલ ઓપરેશન ટીમે (SOT) નેશનલ હાઈવે 65 પર રામોજી ફિલ્મ સિટી નજીક એક કારને શંકાના આધારે રોકી હતી. કારની તલાશી લેતાં તેમાંથી રૂપિયા 8 લાખની કિંમતની 500 રૂપિયાના દરની નકલી નોટો મળી આવી હતી. આ સાથે જ કારમાં સવાર ચાર શખ્સોની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી.

ભાડાના મકાનમાં ચાલતી હતી નોટ છાપવાની ફેક્ટરી

પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ બાદ પોલીસે કુંતલૂર વિસ્તારમાં આવેલ એક ભાડાના મકાન પર દરોડો પાડ્યો હતો. આ મકાનમાં નકલી નોટો છાપવાનું આખું યુનિટ ઊભું કરાયું હતું. સ્થળ પરથી 500ના દરના વધુ 134 નકલી નોટોના બંડલો મળી આવ્યા હતા, જેની ફેસ વેલ્યુ આશરે રૂપિયા 6.70 કરોડ થાય છે. દરોડા દરમિયાન કલર પ્રિન્ટર્સ, સ્કેનર્સ, લેપટોપ, લેમિનેશન મશીન અને નોટ કાપવાના સાધનો પણ કબજે કરવામાં આવ્યાં છે.

યુટ્યુબ પર જોઈને શીખ્યા નોટો બનાવવાની રીત

પોલીસે જણાવ્યું કે, આ આખા રેકેટનો મુખ્ય સૂત્રધાર માડુપોજુ કરુણાકર છે. તેણે યુટ્યુબ વીડિયો અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી નકલી નોટો કેવી રીતે પ્રિન્ટ કરવી તે શીખ્યું હતું. તે સાચી 500 રૂપિયાની નોટને સ્કેન કરીને ઇમેજ એડિટિંગ સોફ્ટવેર દ્વારા એડિટ કરતો હતો અને ત્યારબાદ પ્રિન્ટરથી નોટો છાપતો હતો. આરોપીઓએ શરૂઆતમાં 1 લાખ રૂપિયા સામે 3 થી 4 લાખ રૂપિયાની નકલી નોટો આપવાની લાલચ આપીને તેને બજારમાં ફરતી કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ આ પ્લાનમાં નકલી નોટો ખરીદી શકે તેવા ગ્રાહકો ન મળતાં તેમણે એક નવી જ ઠગાઈનો રસ્તો અપનાવ્યો હતો. 

આરોપીઓ પહેલાં ખરીદદારોને પોતાની પાસે રહેલી અસલી નોટો બતાવીને વિશ્વાસમાં લેતા હતાં. ત્યાર બાદ સોદો નક્કી થાય ત્યારે તેઓ બોગસ આઈડી કાર્ડ, વોકી-ટોકી, બનાવટી પિસ્તોલ અને નકલી નંબર પ્લેટવાળી ગાડીઓ સાથે પહોંચતા અને નકલી પોલીસ અધિકારી હોવાનો નાટક કરતા હતા. એટલું જ નહીં પરંતુ તેઓ ખરીદદારોને ધમકાવીને તેમની પાસે રહેલા રોકડા રૂપિયા લઈને ફરાર થઈ જતા હતા. આ મોડસ ઓપરેન્ડી દ્વારા આરોપીઓએ બે અલગ-અલગ ઘટનાઓમાં ગ્રાહકો પાસેથી રૂપિયા 2 થી 3 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આ કૌભાંડમાં સામે ચાર આરોપીઓ જેલહવાલે કર્યાં

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પોલીસે આ મામલે ચાર આરોપીઓ માડુપોજુ કરુણાકર, ચિન્નોલ્લા માણિક્ય રેડ્ડી, ચેરુકુપલ્લી રત્નાકર રેડ્ડી અને કરણમ અજય કુમારની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે અને પોલીસ તેમને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કર્યા છે.