રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી પોતાના રોયલ અંદાજ અને દુર્લભ જ્વેલરી કલેક્શન માટે એકદમ પંકાયેલા છે. તાજેતરમાં મુંબઈ સ્થિત એનએમએસીસી ખાતે નવી 'ધ લાઈબ્રેરી'ના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે નીતા અંબાણીના લુક કરતાં પણ વધુ તેમના બ્લેઝર પર ચમકતા એક ખાસ બ્રોચ પર સૌની નજર અટકી ગઈ હતી અને આ બ્રોચની કિંમતની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. બ્રોચની કિંમત સાંભળીને તમારી આંખો પણ ચોક્કસ જ પહોળી થઈ જશે...
હાલમાં સોશિયલ મીડિયા પર આ ઈવેન્ટનો એક વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનની આંખો પણ પણ આ અદભુત બ્રોચ જોઈને પહોળી થઈ ગઈ હતી અને આશ્ચર્યથી તેને અડીને નિહાળતી જોવા મળી હતી. એક રિપોર્ટમાં આ ડ્રેગનફ્લાઈ/પતંગિયા આકારના ખાસ બ્રોચની કિંમત લગભગ રૂપિયા 15 કરોડ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ચાલો જોઈએ આ બ્રોચની ખાસિયત વિશે...

10 વર્ષની અથાક મહેનત: વિશ્વવિખ્યાત જ્વેલર વોલેસ ચાનની માસ્ટરપીસ
આ અનોખા બ્રોચનું નામ 'સોઅરિંગ સ્પિરિટ' છે, જેને વિશ્વપ્રસિદ્ધ ચાઇનીઝ જ્વેલરી આર્ટિસ્ટ વોલેસ ચાન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ખૂબ જ કોમ્પ્લિકેટેડ અને ડિટેઈલિંગથી ભરપૂર કારીગરી ધરાવતા આ માસ્ટરપીસ બ્રોચને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં પૂરો એક દાયકો એટલે કે અંદાજે 10 વર્ષનો સમય લાગ્યો હતો.
હલનચલન કરતી પાંખો અને કિંમતી રત્નોનો વૈભવ
આ બ્રોચમાં 17.67 કેરેટના કિંમતી ત્સવોરાઈટ ગાર્નેટ, ડીમેન્ટોઈડ ગાર્નેટ, યેલો ડાયમંડ, વ્હાઈટ ડાયમંડ, રૂબી, પિંક સેફાયર અને રંગબેરંગી હીરા જડવામાં આવ્યા છે. આ બ્રોચ સામાન્ય ધાતુથી નહીં પરંતુ ખાસ ફ્લેક્સિબલ ટાઇટેનિયમથી બનાવવામાં આવ્યો છે. તેની વિશેષતા એ છે કે જ્યારે પહેરનાર વ્યક્તિ ચાલે કે મુવમેન્ટ કરે, ત્યારે ડ્રેગનફ્લાઈની પાંખો પણ જીવંત પતંગિયાની જેમ કુદરતી રીતે હલનચલન કરે છે. તેની પાંખોની ડિઝાઇન પ્રાચીન ગણતરી સાધન 'એબેકસ'થી પ્રેરિત છે.
રૂપિયા 15 કરોડની કિંમત અને 'ડ્રેગનફ્લાઈ' પાછળનો ઊંડો અર્થ
ગ્લોબલ લક્ઝરી માર્કેટમુજબ, આ દુર્લભ બ્રોચની કિંમત આશરે 1.5થી 1.8 મિલિયન યુએસ ડોલર છે, જે ભારતીય ચલણમાં આશરે રૂપિયા 12 કરોડથી રૂપિયા 15 કરોડ જેટલી થાય છે. હવે વાત કરીએ ડ્રેગનફ્લાઈ પાછળના ઊંડા અર્થની તો સાંસ્કૃતિક માન્યતાઓમાં ડ્રેગનફ્લાઈ એ નવી શરૂઆત, મુક્ત વિચારો, પરિવર્તન, સપનાઓ અને અનંત શક્યતાઓનું પ્રતીક છે.
NMACCની લાઈબ્રેરીના શુભારંભ પ્રસંગે જ્ઞાન, વાચન અને વિચારોની આઝાદીનો સંદેશ આપવા માટે નીતા અંબાણીએ ખાસ આ બ્રોચ પસંદ કર્યો હતો. આ ઈવેન્ટ માટે નીતા અંબાણીએ એકદમ સોબર બેજ કલરનું લિનન પેન્ટસૂટ પહેર્યું હતું. તેમણે કપડાંને સાદા રાખીને માત્ર આ ભવ્ય ડ્રેગનફ્લાઈ બ્રોચને હાઈલાઈટ કરીને પોતાને રોયલ 'પાવર ડ્રેસિંગ' ટચ આપ્યો હતો.