Thu Nov 19 2026

Logo

‘રામાયણ’માં કૈકેયી બનીને ભાવુક થઈ લારા દત્તા, કહ્યું- ‘ઇતિહાસમાં સૌથી વધુ ગેરસમજાયેલી સ્ત્રીને જીવંત કરવાનો પ્રયાસ’

2026-11-05 11:39:00
Author: Mumbai Samachar Team
‘રામાયણ’માં કૈકેયી બનીને ભાવુક થઈ લારા દત્તા, કહ્યું- ‘ઇતિહાસમાં સૌથી વધુ ગેરસમજાયેલી સ્ત્રીને જીવંત કરવાનો પ્રયાસ’

મુંબઈ: નિતેશ તિવારીની ભવ્ય ફિલ્મ ‘રામાયણ’ આજે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં અભિનેત્રી લારા દત્તા રાજા દશરથની પત્ની અને ભગવાન શ્રીરામના વનવાસ પાછળ મહત્વની ભૂમિકા ભજવનાર કૈકેયીના પાત્રમાં જોવા મળી રહી છે. ફિલ્મની રિલીઝના ખાસ અવસરે લારાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે કૈકેયીને ઇતિહાસની સૌથી વધુ ગેરસમજાયેલી સ્ત્રીઓમાંની એક ગણાવી છે.

લારાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, વર્ષો પહેલાં પોતાના કરતાં પણ મોટી અને સમયથી પર એવી કોઈ વાર્તાનો ભાગ બનવાની તેની દિલથી ઇચ્છા હતી. હવે તેને એવી મહાન કથામાં સ્થાન મળ્યું છે, જે સદીઓથી લોકોના જીવન અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. અભિનેત્રીએ આ તકને પોતાના માટે સૌભાગ્ય ગણાવ્યું છે.

કૈકેયીના પાત્ર વિશે વાત કરતાં લારાએ લખ્યું કે, એક એવી માતાની માનવીય લાગણીઓને પડદા પર જીવંત કરવાની જવાબદારી મળવી તેના માટે મોટી વાત છે, જેને ઇતિહાસમાં ઘણીવાર ખોટી રીતે સમજવામાં આવી છે. આ પાત્રનો ગુસ્સો, નબળાઈઓ, અપરાધભાવ અને પસ્તાવો દર્શાવવો એક પડકારજનક અનુભવ રહ્યો છે. કૈકેયીએ ઈતિહાસનો માર્ગ બદલી નાખ્યો હતો, અથવા કદાચ તે એવી દિશામાં આગળ વધી હતી, જે નિયતિનો જ એક ભાગ હતી.

અભિનેત્રીએ પોતાની પોસ્ટના અંતમાં આશા વ્યક્ત કરી કે તે માતા કૈકેયી સાથે ન્યાય કરી શકશે અને દર્શકો સદીઓથી ચાલી આવતી માન્યતાઓથી આગળ વધીને તેના પાત્રને સમજશે. તેણે કૈકેયીની ભૂમિકાને દિવ્ય ભવિષ્યવાણીને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ગણાવી અને અંતે ‘જય શ્રીરામ’ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી. 

ફિલ્મમાં લારા દત્તા ઉપરાંત રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને અરુણ ગોવિલ રાજા દશરથની ભૂમિકામાં છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બે ભાગમાં રજૂ થવાની છે. 

‘રામાયણમ્’ના પ્રથમ ભાગને U સર્ટિફિકેટ મળ્યું છે અને તેનો રનટાઇમ 3 કલાક છે. અહેવાલ અનુસાર, ફિલ્મનું કુલ બજેટ આશરે રૂપિયા 4,000 કરોડ છે. ફિલ્મ વિશ્વભરમાં લગભગ 59,000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે, જેમાં ભારતની 9,000 વધારાની સ્ક્રીન્સનો સમાવેશ થાય છે. લગભગ 100 દેશોમાં આ ફિલ્મ એકસાથે રિલીઝ થઈ છે.

લારા દત્તાની આ ભાવુક પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે તે કૈકેયીને માત્ર રામના વનવાસ માટે જવાબદાર પાત્ર તરીકે નહીં, પરંતુ લાગણીઓ, માતૃત્વ, અપરાધભાવ અને નિયતિ વચ્ચે સંઘર્ષ કરતી સ્ત્રી તરીકે રજૂ કરવા માગે છે. હવે દર્શકો માટે ફિલ્મમાં કૈકેયીનું આ નવું દૃષ્ટિકોણ કેટલું અસરકારક સાબિત થાય છે તે જોવું રસપ્રદ રહેશે.