Thu Nov 19 2026

Logo

PoKમાં પાકિસ્તાની સેનાનો આતંક: રહેવાસી વિસ્તારમાં ડ્રોનથી હુમલા અને ગોળીબારમાં 3નાં મોત, 18 ઘાયલ

Islamabad   2026-11-05 17:09:39
Author: Mumbai Samachar Team
PoKમાં પાકિસ્તાની સેનાનો આતંક: રહેવાસી વિસ્તારમાં ડ્રોનથી હુમલા અને ગોળીબારમાં 3નાં મોત, 18 ઘાયલ

ઈસ્લામાબાદ/રાવલકોટઃ પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની સેના પર નાગરિકોના ઘરો પર ડ્રોનથી હુમલા અને ગોળીબાર કરવામાં આવી રહ્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. આ ઘટના રાવલકોટના ઊમર ફારૂક ચોક વિસ્તારમાં બની છે. 

અહેવાલો અનુસાર, પાકિસ્તાનીઓ સૈનિકો ગુરુવારે સવારે 5 વાગ્યાથી અહીં ગોળીબાર કરી રહ્યા છે. આ હુમલાની અનેક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. પાકિસ્તાની સેનાની કાર્યવાહીની સૌથી વધુ અસર રાવલકોટ શહેરમાં જોવા મળી છે.  

સ્થાનિક લોકોનો આરોપ છે કે પાકિસ્તાની સેના જાણીજોઈને નાગરિકોના ઘર અને નિ:શસ્ત્ર પ્રદર્શનકારીઓને નિશાન બનાવી રહી છે. તેમનો દાવો છે કે આ કોઈ એકલદોકલ ઘટના નથી. જૂન 2026માં વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદથી પાકિસ્તાની સેનાએ કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં 153થી વધુ લોકોને મારી નાખ્યા છે. 

અનેક ઘરોમાં આગ, ગોળીબારના વીડિયો વાયરલ

PoKમાંથી સામે આવેલા વીડિયોમાં અનેક ઘરોમાં આગ લાગેલી જોવા મળે છે. સ્થાનિક લોકો ઘટનાસ્થળેથી મળેલા શાર્પનેલના ટુકડા પણ બતાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાની સેનાએ જાણે તેમના મોતનું ફરમાન જ લખી દીધું છે. 

અન્ય વીડિયોમાં સતત ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે. એક પ્રદર્શનકારીએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સુરક્ષાદળોએ રાવલકોટમાં નાગરિકો અને બાળકો પર ગોળીબાર કર્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ મુનીરના નેતૃત્વ હેઠળની સેના દ્વારા કરવામાં આવતા દમનનો સામનો કરવા તૈયાર છે અને કોઈ પણ સંજોગોમાં પીછેહઠ કરશે નહીં. 

આવી પરિસ્થિતિમાં પણ રસ્તા પર ઉતરી લોકોનો વિરોધ

અહેવાલો અનુસાર રાવલકોટમાં સરકારી મોબાઈલ સેવા અને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સ્થિતિને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે, આ મુશ્કેલીઓ વચ્ચે પણ લોકો રસ્તા પર ઉતરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.  

પીઓકેમાં ચાલી રહેલું આ આંદોલન પાકિસ્તાન અને ત્યાંની સ્થાનિક વસ્તી વચ્ચેના સંબંધો અંગે મોટો સવાલ ઊભો કરી રહ્યું છે. પ્રદર્શનકારીઓ માત્ર સસ્તી વીજળી અને લોટની માંગણી જ નથી કરી રહ્યા, પરંતુ વિધાનસભામાં પ્રતિનિધિત્વ સ્થાનિક સંસાધનો પર અધિકાર અને વહીવટી સ્વાયત્તતાની પણ માંગ કરી રહ્યા છે.