Thu Nov 19 2026

Logo

પોતાના બે માસૂમ બાળકોને નીચે ફેંકી પિતાએ પણ આત્મહત્યા કરી! ત્રણેયના મોત, પોલીસે તપાસ શરૂ કરી

New York   2026-11-05 14:35:00
Author: Mumbai Samachar Team
પોતાના બે માસૂમ બાળકોને નીચે ફેંકી પિતાએ પણ આત્મહત્યા કરી! ત્રણેયના મોત, પોલીસે તપાસ શરૂ કરી

ન્યૂયોર્ક/પિટ્સબર્ગ: અમેરિકાના પિટ્સબર્ગ નજીક આવેલા માઉન્ટ લેબનન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાના બે નાનાં બાળકોને મલ્ટી-સ્ટોરી પાર્કિંગ ગેરેજ પરથી નીચે ફેંક્યા બાદ પોતે પણ કૂદીને જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં પિતા સહિત ત્રણેયનાં મોત થયાં છે. મૃતકોની ઓળખ 42 વર્ષીય પેટ્રિક લિંચ, તેમના 8 વર્ષના પુત્ર જેમ્સ અને 6 વર્ષની પુત્રી કેરોલિન તરીકે થઈ છે. ત્રણેયના મૃતદેહ પાર્કિંગ ગેરેજની નીચે મળી આવ્યા હતા.

3 નવેમ્બરના રોજ બનેલી આ ઘટનાની જાણ થતાં જ પેરામેડિક્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવકર્મીઓએ ત્રણેયને બચાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ત્રણેયનાં મોત ઊંચાઈ પરથી પડવાથી થયેલી ઈજાઓના કારણે થયાં હોવાનું સામે આવ્યું છે. 

માઉન્ટ લેબનન પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ મામલો હત્યા અને આત્મહત્યાનો હોવાનું જણાય છે. પોલીસ આ ઘટનાને અકસ્માત તરીકે જોઈ રહી નથી. જોકે, પેટ્રિક લિંચે આવું ભયાનક પગલું શા માટે ભર્યું અને ઘટનાનું ચોક્કસ કારણ શું હતું, તે હજુ સ્પષ્ટ થયું નથી. તપાસ અધિકારીઓ ઘટનાની તમામ કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પોલીસ ચીફ જેસન હેબરમેનના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી સમગ્ર માઉન્ટ લેબનન સમુદાયને મોટો આઘાત લાગ્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સ્થાનિક સમુદાયના અનેક લોકો આ પરિવારને ઓળખતા હશે. ઘટનાસ્થળે એક કાળી કાર પર પોલીસ ટેપ લગાવવામાં આવી હતી અને તપાસ માટે વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. 

આ દુર્ઘટનાની અસર સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ પર પણ પડી છે. માઉન્ટ લેબનન સ્કૂલ ડિસ્ટ્રિક્ટે વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બે પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. વિસ્તારની અન્ય શાળાઓના વિદ્યાર્થીઓને પણ ઘરે રહેવાની છૂટ આપવામાં આવી હતી.

શાળા તંત્ર દ્વારા આઘાતજનક ઘટનાથી પ્રભાવિત વિદ્યાર્થીઓને મદદ મળી રહે તે માટે સ્કૂલ થેરાપિસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન અને સમુદાયે આ દુઃખદ સમયે અસરગ્રસ્ત પરિવાર તથા વિદ્યાર્થીઓને સહયોગ આપવાની ખાતરી આપી છે. ઘટનાની તપાસ ચાલુ છે અને પિતાએ આવું પગલું ભરવા પાછળનું કારણ જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે.