Mon Oct 05 2026

Logo

સુરતમાં આધેડને સાપે બે વાર ડંખ માર્યો: સાપને મારીને પ્લાસ્ટિકની થેલીમાં લઈ હોસ્પિટલ પહોંચ્યા, સ્ટાફ સ્તબ્ધ

2026-09-13 16:40:27
Author: Vimal Prajapati
સુરતમાં આધેડને સાપે બે વાર ડંખ માર્યો: સાપને મારીને પ્લાસ્ટિકની થેલીમાં લઈ હોસ્પિટલ પહોંચ્યા, સ્ટાફ સ્તબ્ધ

સુરતઃ સાપ સામે લોકો ગભરાઈ જતા હોય છે, પરંતુ સુરતમાં એક આધેડ વયની વ્યક્તિએ અનોખું સાહસ દેખાડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. સુરતમાં આવેલા સણિયા હેમા ગામમાં કામકાજ દરમિયાન એક આધેડ વયના સખસને સાપે એક નહીં પણ બે વાર ડંખ માર્યા હતા. સામાન્ય રીતે લોકો ડરીને ભાંગી પડે, પણ આ આધેડે સાપ પર લાકડીથી હુમલો કરી તેને ત્યાં જ મારી નાખ્યો હતો. એટલું જ નહીં, ત્યાર પછી મારેલા સાપને થેલીમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો, જેને જોઈને સ્ટાફ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હતો.

સણિયા હેમા ગામમાં બની આ સમગ્ર ઘટના

સુરતના સણિયા હેમા ગામ ખાતે આવેલી રૂડા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા અશોકભાઈ કોટડિયા વ્યક્તિ સાથે ઘટના બની હતી. રોજિંદા કામ દરમિયાન અચાનક આવી પહોંચેલા સાપે અશોકભાઈને પગના ભાગે બે વાર ડંખ માર્યો હતો. અશોકભાઈએ હિંમત હાર્યા વગર નજીકમાં પડેલી લાકડી વડે સાપ પર વળતો પ્રહાર કરી તેને ત્યાં જ મારી નાખ્યો હતો. એટલું જ નહીં પરંતુ સાપ મરી ગયા બાદ પ્લાસ્ટિકની થેલીમાં ભરી લીધો જેથી હોસ્પિટલમાં લઈ ગયાં હતા.

તબીબોએ જરાય સમય બગાડ્યા વિના કરી સારવાર

સ્મીમેર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં જ્યારે અશોકભાઈ હાથમાં પ્લાસ્ટિકની થેલી સાથે પહોંચ્યા અને તબીબોને જણાવ્યું કે, ‘મને આ જ સાપે ડંખ માર્યો છે’, ત્યારે એક ક્ષણ માટે ડોક્ટરો અને સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયા હતા! તબીબોએ સહેજ પણ સમય બગાડ્યા વિના અશોકભાઈની સારવાર શરૂ કરી દીધી હતી. હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.