Mon Sep 07 2026

Logo

સુરતના કામરેજમાં રૂ. ૧૪૫૦ કરોડના ખર્ચે બનાવાશે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું હોસ્પિટલ કેમ્પસ

2026-02-19 21:58:56
Author: Devayat Khatana
સુરતના કામરેજમાં રૂ. ૧૪૫૦ કરોડના ખર્ચે બનાવાશે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું હોસ્પિટલ કેમ્પસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર, સુરતના કામરેજમાં અંદાજિત રૂ. ૧૪૫૦ કરોડના ખર્ચે ૩૦.૫૫ હેક્ટર જેટલી વિશાળ જમીનમાં અત્યાધુનિક હોસ્પિટલ કેમ્પસનું નિર્માણ કરવામાં આવશે. 

પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે બજેટમાં રૂ. ૨૫૦ કરોડની પ્રારંભિક જોગવાઈ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ૧૫૦૦ બેડની જનરલ બ્રોડ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ૫૦૦થી વધુ બેડની કાર્ડિયાક એન્ડ ન્યુરો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ૫૦૦થી વધુ બેડની યુરોલોજી એન્ડ નેફ્રોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સાકાર થશે.          

આ એક જ કેમ્પસમાં જનરલ હોસ્પિટલની સાથે ત્રણ મુખ્ય સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલો ઇન્ટીગ્રેટેડ રીતે નિર્માણ પામશે, જે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું મેડિકલ હબ બની રહેશે. એટલું જ નહીં, મેડિકલ ટુરિઝમ, શિક્ષણ, સંશોધન અને ઈમરજન્સી સેવાઓ માટે એક આદર્શ સ્થળ ઉપલબ્ધ થશે.

દક્ષિણ ગુજરાતમાં નિર્માણ પામનાર ૩ અત્યાધુનિક ઇન્ટીગ્રેટેડ હોસ્પિટલોથી દક્ષિણ ગુજરાતની આરોગ્ય સેવા અને સુવિધાઓમાં મોટો વધારો થશે જે સુરતને દેશના મેડિકલ ટુરિઝમ મેપ પર મજબૂત સ્થાન અપાવશે. વિવિધ રોગોના દર્દીઓ એક જ સ્થળે મલ્ટી સ્પેશિયલ આરોગ્ય સેવાઓ અને નિદાન-સારવારનો લાભ મેળવી શકશે.