સુરતઃ સુરત શહેરના વેડરોડ પરના નાસીરનગર વિસ્તારમાં થયેલા ભૂતિયા ડેમોલિશનનો મામલ પહેલા સુરતમાં ગરમાયો, હવે આ કેસ દિલ્હી સુધી પહોંચી ગયો છે. વડાપ્રધાન કાર્યલયની નજરમાં સમગ્ર કેસ આવતા જ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની લોબીમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે, તો કેટલાક કોન્ટ્રાક્ટરના પગ ધ્રુજી રહ્યા છે. એક કેસના કારણે તંત્રના વહીવટીમાં ભૂકંપ આવી ગયો છે. આ સમગ્ર કેસ પર ગુજરાતના શહેરી વિકાસ વિભાગે ચાંપતી નજર રાખ્યા બાદ હવે મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે, જેમાં હવે સુરત કોર્પોરેશનના કમિશનર એમ.નાગરાજનને અચાનક દિલ્હી બોલાવવામાં આવ્યા છે. કમિશનર પણ દિલ્હી પહોંચ્યા છે. આ કારણે સુરતથી લઈને સચિવાલય સુધી ફફડાટ વ્યાપી ચૂક્યો છે.
અચાનક દિલ્હીથી તેડું આવ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂતિયા ડેમોલિશન મામલે અચાનક દિલ્હીથી તેડુ આવ્યું હતું. આ કારણે તમામ કામને પડતા મૂકીને કોર્પોરેશન કમિશનર આમ. નાગરાજન દિલ્હી દોડ્યા હતા. દિલ્હીથી કમિશનરને કેવા આદેશ મળે છે અને ક્યા મોટામાથા સામે એક્શન લેવાય છે એના પર સૌની નજર છે. વાત અહીંયા જ અટકતી નથી. વિવાદના મૂળ નાસીરનગરની બાજુમાં આવેલી કરોડો રૂપિયાની જમીન તથા એના પર તૈયાર થનારા બિલ્ડરના મેગા પ્રોજેક્ટ પર છે. સુરતના કેટલાક ચોક્કસ બિલ્ડર આ જગ્યા પર મહાકાય પ્રોજેક્ટ લાવવાના મૂડમાં છે પણ વિધ્ન એ નડે છે કે, જ્યા સુધી જવાનો મુખ્ય રસ્તો ખુલે નહી ત્યા સુધી એ પ્લાન પાસ થઈ શકે એમ નથી.બિલ્ડરોએ આ પહેલા આ જ પ્લાન માટે તંત્રના દ્વાર ખખડાવેલા છે. પણ મહાનગર પાલિકાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, પ્રોપર રસ્તાની વ્યવસ્થા વગર પ્લાન મંજૂર ન થાય.
અનેક ફાઈલ અટકેલી પડી
આ કારણે કેટલીક ફાઈલ હવામાં લટકેલી પડી છે. વાત એવી પણ ચર્ચામાં છે કે, બિલ્ડરોએ ચોક્કસ પ્રોજેક્ટને સાકાર કરવા માટે, પ્રોજેક્ટનો રસ્તો ચોખ્ખો કરવા માટે તથા આવક ઊભી કરવા માટે હજારો ગરીબોના આશરા પર બુલ્ડોઝર ફેરવવા કાવતરૂ ઘડ્યું, ખાખીમાં રહેલા કર્મચારીઓનો પણ ઉપયોગ કર્યો. આ મામલે કેટલાક પુરાવાઓ પણ મળ્યા છે. આ ભૂતિયા ડિમોલિશનમાં સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ડીસીપી રાજદિપસિંહ નકુમ અને પી.આઈ. અતુલ સોનારાની ભૂમિકા અત્યંત સક્રિય અને શંકાસ્પદ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.હવે આ કેસમાં પોલીસના ફાયદાની વાત સામે આવી છે, આખરે એ સાચી છે કે ખોટી એ પણ તપાસનો વિષય બન્યો છે. 16 જુન સુધીમાં આ કેસમાં વિગતવાર રિપોર્ટ જમા કરાવવા માટેનો આદેશ છે. મહાનગર પાલિકાના કર્મચારી આશિષ નાયકની ભૂમિકા કેન્દ્રમાં હોવાની મનાય છે.
ક્યા અધિકારીનો ઉધડો લેવાશે?
6 સભ્યોની કમિટી હાઈ લેવલ પર તપાસ કરી રહી છે, તાપસ સમિતિની બેઠક જ્યારે પહેલીવાર યોજાઈ એ સમયે જ આશિષનું નામ ખુલ્યું અને કડક શબ્દોમાં નોટીસ ફટકારવામાં આવી હતી. આદેશ કરાયો છે કે નાસીરનગરમાં જે ડિમોલિશન થયું તે દરમિયાન કઈ કઈ કામગીરી કરવામાં આવી, કોના આદેશથી સ્ટાફ મોકલાયો અને કયા નિયમો હેઠળ આ કાર્યવાહી થઈ, તેનો સંપૂર્ણ રિપોર્ટ આપવામાં આવે. હવે સુરત મહાનગર પાલિકાના કમિશનરને એવા સમયે દિલ્હીથી તેડું આવ્યું છે જ્યારે સુરતમાં ભૂતિયા ડેમોલિશનનો મામલો ટોક ઓફ ટાઉન બની રહ્યો છે. દિલ્હીથી આવ્યા બાદ કમિશનર કેવા એક્શન લે છે અને કઈ યોજનાથી આ કેસનો ઉકેલ લાવે છે એ જોવાનું છે. બીજી તરફ ક્યા મોટામાથા કહેવાતા બિલ્ડરોની સંડોવણીથી આ કારનામું બન્યું એ અંગે પણ તપાસ થઈ રહી છે, એમાં કમિશર કયા અધિકારીનો ઉધડો લેશે એના પર સૌની નજર છે.