Wed Sep 09 2026

Logo

રાજ્યનું ડાયમંડ સિટી ડ્રગ્સના 'ખપ્પર'માંઃ 2 વર્ષમાં 3,100 કિલો ડ્રગ્સ ઝડપાયું

2026-03-16 15:08:00
Author: Devayat Khatana
રાજ્યનું ડાયમંડ સિટી ડ્રગ્સના 'ખપ્પર'માંઃ 2 વર્ષમાં 3,100 કિલો ડ્રગ્સ ઝડપાયું

સુરત: ગત વર્ષે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારેથી બિનવારસી માદક પદાર્થનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી હતી. ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના દરિયાકિનારે પણ મોટા પ્રમાણમાં આવો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે આજે વિધાનસભામાં પણ આ મુદ્દે ચર્ચા જાગી હતી. વિપક્ષી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે ગૃહમાં ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા. 

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, સુરત જિલ્લામાં ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ની સ્થિતિએ સુરતના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પાયે અફીણ અને અન્ય કેમિકલ ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર ડ્રગ્સ નેટવર્ક અને કાર્ટેલમાં સંડોવાયેલા કુલ ૫૬૮ જેટલા શખસોની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

નશાના આ કાળા કારોબારમાં અફીણનો ૧૬ કિલો ૭૭ ગ્રામ અને ૬ મિલીગ્રામ જેટલો જથ્થો અલથાણ, ખટોદરા, સારોલી, ગોડાદરા, પુણા અને કડોદરા જેવા વિસ્તારોમાંથી જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 'અન્ય ડ્રગ્સ'ની શ્રેણીમાં આવતા નશીલા પદાર્થોનો આંકડો અત્યંત ચોંકાવનારો છે. સુરતના અડાજણ, વેસુ, વરાછા, કતારગામ, અને સચિન જી.આઈ.ડી.સી. સહિતના ૪૦થી વધુ વિસ્તારોમાં દરોડા પાડીને કુલ ૩૧૪૬ કિલો ૯૦૪ ગ્રામ અને ૫૭૨ મિલીગ્રામ ડ્રગ્સ તેમજ ૨૬૨૦ નંગ નશીલી સીરપની બોટલો પકડવામાં આવી છે.

પોલીસની આ તપાસમાં સુરત શહેરના મુખ્ય વિસ્તારો ઉપરાંત કામરેજ, ઓલપાડ, બારડોલી અને પલસાણા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડ્રગ્સનું નેટવર્ક ફેલાયેલું હોવાનું બહાર આવ્યું હતું. ખુદ સરકારે જે આંકડાઓ રજૂ કર્યા હતા તે ચોંકાવનારા છે. ગુજરાત જાણે કે ડ્રગ્સ હેરાફેરીનું પ્રવેશદ્વાર હોય તેમ દરિયાકિનારાના જિલ્લામાં ડ્રગ્સની હેરાફેરીના અનેક બનાવો પ્રકાશમાં આવતા રહે છે.