Wed Aug 19 2026

Logo

સુરતમાં મિત્રોના ત્રાસથી વેપારીએ કરી આત્મહત્યા, લાખો રૂપિયા પડાવી ધમકીઓ આપનારા ત્રણ આરોપીઓની ધરપકડ

2026-08-03 08:29:00
Author: Vimal Prajapati
Article Image

સુરતઃ મિત્રતા મુશ્કેલીઓમાંથી બહાર લાવે છે તેના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતાં રહે છે, પરંતુ સુરતમાં મિત્રોના કારણે એક વેપારીએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. સુરતના સરથાણા વિસ્તારના વેપારી રાજેશ કુંજડીયાએ ગત 30 જુલાઈએ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ કેસમાં તપાસ કરતા પોલીસે તે વેપારીના ત્રણ મિત્રોની ધરપકડ કરી છે. પોલીસે પુરાવાના આધારે આ ત્રણેય મિત્રોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

રૂપિયા પાછા માંગ્યાં તો મિત્રોએ ધમકીઓ આપી

ઘટનાની વાત કરવામાં આવે તો, આ ત્રણેય મિત્રોએ રાજેશ કુંજડીયા પાસેથી 17.32 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જ્યારે આ રૂપિયા રાજેશ કુંજડીયાએ પાછા માંગ્યાં ત્યારે આ લોકોએ મ્યુલ એકાઉન્ટ ખોલાવીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહીં પરંતુ ‘રૂપિયા ના હોય તો મરી જા’ તેવું પણ વારંવાર કહેતા હતા. જેથી આખરે આ તમામ બાબતોથી કંટાળીને રાજેશ કુંજડીયાએ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. 

કેનેડા જાવાના બહાને 14 લાખ રૂપિયા માંગ્યાં

રાજેશ કુંડડીયા મૂળ તો જૂનાગઢમાં આવેલા વિસાવદર મોણીયા ગામના વતની હતાં, પરંતુ એમ્બ્રોઈડરીનો ધંધો હોવાથી પત્ની અને બે બાળકો સાથે સુરતમાં રહેતા હતાં. કાપડના ધંધામાં છેલ્લા ત્રણ મહિનાથી મંદી ચાલી રહી છે. જેના કારણે તેમણે મશીન બધા વેચી દીધી હતી. આ દરમિયાન તેમના એક મિત્ર ધનશ્યામ આહિરે કેનેડા જાવાના બહાને 14 લાખ રૂપિયા માંગ્યાં હતાં. આ સાથે બીજા અન્ય બે મિત્રો રીકી ઉર્ફે નીકસીત અને દાઢી આહિરે પણ રાજેશ કુંજડીયા પાસેથી રૂપિયા લીધા હતા. આ રૂપિયા પાછા આપવાની જગ્યાએ તેઓ રાજેશ કુંજડીયાને ધમકીઓ આપતા હતાં. 

રાજેશ કુંજડીયાએ સુસાઈડ નોટમાં શું લખ્યું?

પોતાની જીવનલીલા સંકેલી લીધા પહેલા રાજેશ કુંજડીયાએ સુસાઈડ નોટ પણ લખી હતી. સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘આ ઘનશ્યામભાઈ આહિર પાસેથી (13.20 લાખ) રૂપિયા લેવાના છે. એ મને પરત નથી આપતો હું પૈસા માગું એટલે એમ કહે છે કે મારી પાસે પૈસા નથી તારે જે કરવું હોય તે કર. મારે પોલીસમાં ઓળખાણ છે, હું તને જોય લઈશ એવી ધમકી આપતો’ આ સાથે ધનશ્યામ આહિરે રાજેશના નામે અનેક બેંકમાં ખાતાઓ ખોલાવી દીધા હોવાનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

વધુમાં લખ્યું કે, રીકી ઉર્ફે નીકસીત કે જેણે મારી પાસેથી દિવાળી પહેલા બે લાખ લીધા છે. પૈસા માગુ એટલે એમ કહે પૈસા ના હોય તો મરી જવાય અને એમ કહે કે રીકીભાઈ છું મે જેની પાસેથી પૈસા લીધા એને કોઈ દિવસ પરત આપતો નથી. દાઢી આહિર, આ ભાઈ પાસેથી 97000 અને 95000 એમ ₹ 1,32,000 લેવાના છે. આ ભાઈ આજ આપુ, કાલે આપુ, આવતા અઠવાડિયે આપું એમ કહ્યા કરે છે. ખોડલ એન્ટરપ્રાઈજ નામના બેન્ક ખાતા ખોલાવેલા છે. ઘનશ્યામ, રીકી અને દાઢીને ઓળખે છે અને ધ્યેયને પણ. આ લોકો પૈસા ન આપતા મારે આ પગલુ ભરવું પડ્યું. 1.40 લાખ, 2 લાખ, 13.20 લાખ એમ 17,20,000 લેવાના છે.’

મિત્રોએ મિત્રતાની આડમાં લાખો રૂપિયા પડાવી લીધા પરંતુ પછી આછા આપવાની જગ્યાએ મોતની અને સાયબર ક્રાઈમની ધમકીઓ આપતા હતાં. પોલીસે અત્યારે ઘનશ્યામભાઈ આહિર,  રીકી ઉર્ફે નીકસીત અને દાઢી આહિરની ધરપકડ કરી લીધી અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.