(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત: મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વેગ આપતા રૂ. 920 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલ અને ઉપ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂ. 187.17 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પેકેજ-1નું ઉદ્ઘાટન કરી તેને સુરતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સાથે જ વરિયાવ અને રાંદેરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વેસુમાં અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક, ભેસ્તાન અને પાલનપોરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસ તથા વિન્ડ પાવર પ્લાન્ટ સહિત કુલ રૂ. 673.12 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરતના વિવિધ ઝોનમાં માળખાકીય સુવિધાઓને સુદ્રઢ બનાવવા માટે રૂ. 247.80 કરોડના નવા કામોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. જેમાં ઉધના, રાંદેર અને વરાછા વિસ્તારમાં સીસી રોડ, આઉટર રિંગ રોડના મહત્વના પેચ અને ડ્રેનેજ સિસ્ટમ જેવા પાયાના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ પાંચ વર્ષ સુધી સુરતમાં ઐતિહાસિક કામ કરવા બદલ સુરત મહાનગરપાલિકાના તંત્ર, અધિકારીઓ અને કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લોકોને ટકોર કરતાં કહ્યું હતું કે આ પ્રોજેક્ટનું આજે લોકાર્પણ થયું છે પરંતુ તેને વર્ષો સુધી ટકાવી રાખવા કચરો નહિ કરવા, જ્યાં ત્યાં થૂંકવાની આદત છોડવી પડશે. તો જ આ પ્રોજેક્ટની જાળવણી થઈ શકશે તેમ જણાવ્યું હતું.
જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, જે વિવિધતા સાથે સુરત શહેરનો વિકાસ થયો છે તે બીજું કોઈ શહેર કરી શકે તેમ નથી તેવું કામ પાંચ વર્ષમાં કરવામાં આવ્યું છે. લોકોની અપેક્ષા કરતાં વધારે, જે કરીએ તેનાથી સારામાં સારું અને લોકો માંગે તે પહેલા કરીએ તેવું કામ સુરતમાં કર્યું છે. તેમણે આગળ જણાવ્યું હતું કે એકસમયે ગંદા શહેરનું લેબલ ધરાવતું શહેર સુરત આજે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, તેનું પ્રથમ શ્રેય સુરતના સફાઇકર્મીઓને, બીજું સુરતના નાગરિકોને, ત્રીજું સુરત મનપાના કર્મીઓને એનએ ચોથું સુરત મનપાની ચૂંટાયેલી બોડીને આપવું જોઈએ તેમ જણાવ્યું હતું.