Fri Sep 04 2026

Logo

સુરજબારી ટોલનાકાની મનમાની સામે સ્થાનિકો વિફર્યા! ઉઘાડી લૂંટના આક્ષેપ સાથે કર્યો ચક્કાજામ...

2026-06-16 19:29:26
Author: Devayat Khatana
સુરજબારી ટોલનાકાની મનમાની સામે સ્થાનિકો વિફર્યા! ઉઘાડી લૂંટના આક્ષેપ સાથે કર્યો ચક્કાજામ...

સામખીયાળી: કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર સુરજબારી ટોલનાકા પર કથિત રીતે સ્થાનિક લોકોને કરવામાં આવી રહેલા અન્યાય અને દાદાગીરીના આક્ષેપ પર  લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ટોલનાકા સંચાલકો દ્વારા આસપાસના 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામના લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ સાથે લોકો ટોલનાકા પર બેસી ગયા હતા. સ્થાનિક લોકોએ ટોલનાકા પર પહોંચીને ચક્કાજામ કર્યો હતો, જો કે બાદમાં પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી.

આ અંગે જૂના કાંતરિયા ગામના આગેવાન હેમુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સુરજબારી ટોલનાકા પર સ્થાનિક લોકોને હેરાન કરવામાં આવે છે, ટોલનાકા દ્વારા મનમાની રીતે પૈસા લેવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 20 કિમીની હદમાં આવતા ગામડાઓને નિયમોને અવગણીને કોઈપણ જાતની રાહત આપવામાં આવતી નથી. તેમણે કહ્યું હતું કે જે ભાડા પેટે ગાડી ચલાવીને ગુજરાન કરનારા લોકોની પાસેથી પણ મનમાની કરીને ટોલનાકાનો સ્ટાફ પૈસા ઉઘરાવતો હોવાના આક્ષેપ કર્યો હતો. 

તેમણે ટોલનાકાના સંચાલકો પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ગઇકાલ રાતે જ એક ભયંકર અકસ્માત થયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, બાકી આ લોકો કોઈ જ જવાબદારી લેવા તૈયાર નથી. તેમણે કહ્યું હતું કે ટોલનાકા દ્વારા આડો મોટો પથ્થર રાખવામાં આવ્યો હતો જેના કારણે અકસ્માત સર્જાયો હતો. તેમણે આજુબાજુના ગામના લોકોને ટોલનાકા પર આવવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે આપણે સાથે મળીને  ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. 

સુરજબારી ટોલનાકા પર કથિત રીતે સ્થાનિક લોકોને કરવામાં આવી રહેલા અન્યાય અને દાદાગીરીના આક્ષેપ બાદ સ્થાનિક લોકોએ ટોલનાકા પર પહોંચી ગયા હતા અને લોકોએ ટોલનાકા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. ટોલનાકા પર કરવામાં આવેલા ચક્કાજામને પગલે ટ્રાફિક પણ સર્જાયો હતો, જો કે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી.