નવી દિલ્હીઃ જોધપુરમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્વાસ્થ્યના આધારે વચગાળાના જામીન પર કોઈ આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો.
ન્યાયાધીશ એમ એમ સુંદરેશ અને પી બી વરાલેની પીઠે કહ્યું કે, આસારામની તબિયત લથડે તો ફરી વચગાળાના જામીન માંગી શકે છે. ઉપરાંત, કોર્ટે આસારામને તેના પસંદગીના કેરટેકરની 24 કલાક સહાયતા લેવાની છૂટ આપી હતી. કોર્ટે AIIMS દ્વારા રજૂ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટને ધ્યાનમાં રાખીને આ ચુકાદો આપ્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આસારામને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હોઈ શકે, પરંતુ તેમને 24 કલાક તબીબી સહાયની જરૂર પડી શકે છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે અમે AIIMS દ્વારા તારીખ 31 જુલાઈ, 2026ના લખવામાં આવેલા પત્રની નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટે AIIMS ટીમ પાસે આસારામની તપાસ કરાવી હતી.
STORY | SC allows Asaram to engage trained care taker of his choice, no interim bail as of now
— Press Trust of India (@PTI_News) August 6, 2026
The Supreme Court on Thursday denied interim bail as of now to self-styled godman Asaram, who is serving a life sentence in a 2013 case of sexually assaulting a minor, but allowed him… pic.twitter.com/XuU1oDzEQ6
ઉલ્લેખનીય છે કે મંગળવારે સુપ્રીમ કોર્ટને AIIMSની એક મેડિકલ ટીમે અભિપ્રાય આપ્યો હતો કે આસારામને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી, પરંતુ તેમને 24 કલાક સંભાળની જરૂર છે. આ દલીલ આસારામની તબીબી આધાર પર વચગાળાના જામીનની માગણી કરતી અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ એમ એમ સુંદરેશ અને જસ્ટિસ પી બી વરાલેની બેન્ચ સમક્ષ કરવામાં આવી હતી.
રાજસ્થાન સરકાર વતી હાજર રહેલા વકીલોમાંથી એકે જણાવ્યું, AIIMSનો રિપોર્ટ કહે છે કે હૉસ્પિટલમાં દાખલ કરવાની કોઈ જરૂર નથી.' તેમણે વધુમાં ઉમેર્યું, આસારામને તમામ તબીબી સુવિધાઓ મળી રહી છે.
આસારામનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે જણાવ્યું કે રિપોર્ટને સમગ્ર રીતે વાંચવામાં આવવો જોઈએ. 21 જુલાઈએ સુપ્રીમ કોર્ટે AIIMSને આસારામની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક મેડિકલ બોર્ડની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો.
રાજસ્થાનના જોધપુરમાં 2013માં પોતાના આશ્રમમાં એક સગીરા પર દુષ્કર્મ સહિત અનેક અક્ષેપોમાં આસારામને રાજસ્થાન હાઈ કોર્ટે સજા ફટકારી હતી. જોકે, આ ચુકાદાને આસારામે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને તબીબી કારણોસર વચગાળાના જામીન માગ્યા હતા.
જામીન અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 21 જુલાઈએ AIIMSના ડિરેક્ટરને આસારામની ડોક્ટરોની ટીમ પાસે તપાસ કરાવવા અને મેડિકલ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું.