દિક્ષિતા મકવાણા
ઉનાળાના મહિનાઓમાં ઓઇલી સ્કાલ્પ ધરાવતા લોકોને વધુ પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુ પડતા પરસેવાના કારણે વાળ ખૂબ જ ઝડપથી ગંદા અથવા ચીકણા દેખાય છે. તમારા વાળ વધુ પડતા તેલયુક્ત દેખાય તે વિના તેનો કુદરતી ભેજ જાળવી રાખવા માટે તમે વિવિધ કુદરતી ચીજોમાંથી બનાવેલા હેર માસ્ક લગાવી શકો છો. તો ચાલો કેટલાક વિકલ્પો પર એક નજર કરીએ. ઉનાળાની ઋતુમાં તમારા વાળને તાજા રાખવા એક પડકાર બની શકે છે, મુખ્યત્વે કારણ કે ઓઇલી સ્કાલ્પમાં ખૂબ પરસેવો થાય છે.
આ સમસ્યા ખાસ કરીને એવા લોકો માટે વધુ ખરાબ થાય છે જેમની કુદરતી રીતે ઓઇલી સ્કાલ્પ હોય છે. ઉનાળામાં તેલ ગ્રંથિઓ વધુ સક્રિય બને છે, જેના કારણે વાળમાં ખોપરી ઉપરની ચામડીનું કુદરતી તે વધુ નીકળે છે. વધુમાં, પરસેવો અને ધૂળના મિશ્રણથી ખોપરી ઉપરની ચામડી અને વાળના તળીયા બંને પર ધૂળ અને ગંદકી એકઠી થાય છે. ઘણીવાર શેમ્પૂ કર્યાના એક દિવસ પછી જ વાળ ચીકણા દેખાવા લાગે છે.
આવી પરિસ્થિતિઓમાં તમે કુદરતી ઘટકોમાંથી બનાવેલા હેર માસ્ક તરફ વળી શકો છો. વાળમાંથી આવશ્યક ભેજ દૂર કર્યા વિના અથવા શુષ્કતા લાવ્યા વિના આ વધારાના તેલને નિયંત્રિત કરવામાં અસરકારક છે. જો તમે ઉનાળા દરમિયાન તમારા વાળને દરરોજ શેમ્પૂ કરો છો, તો તમારા વાળ ડ્રાય થવાનો ભય રહે છે, કારણ કે વારંવાર ધોવાથી તેમના કુદરતી તેલનો નાશ થાય છે. ઉનાળાની ઋતુ દરમિયાન સ્વસ્થ વાળ જાળવવા માટે ઘરેલુ ઉપાયો ખૂબ અસરકારક સાબિત થાય છે. અહીં અલગ અલગ પ્રકારના હેર માસ્ક છે જે તમારા વાળને હાઇડ્રેટેડ રાખશે અને ખાતરી કરશે કે તે તાજા અને સ્વચ્છ રહેશે.
મુલતાની માટી - હેર માસ્ક
જો તમારી ખોપરી ઉપરની ચામડી તેલયુક્ત હોય અને તમને લાગે કે ઉનાળા દરમિયાન સમસ્યા વધુ તીવ્ર બને છે, તો તમારે મુલતાની માટીનો હેર માસ્ક તૈયાર કરવાનું અને લગાવવાનું વિચારવું જોઈએ. આ કરવા માટે મુલતાની માટી પાવડર જરૂરી માત્રામાં લો અને તેને લગભગ એક કલાક માટે પાણીમાં પલાળી રાખો. તેમાં થોડું એલોવેરા અને ચાર ચમચી ગુલાબજળ મિક્સ કરીને એક સરળ પેસ્ટ બનાવો. આ માસ્કને સીધા તમારા સ્કાલ્પ પર લગાવો. 10 મિનિટ પછી તમારા વાળ ધોઈ લો. જો તમે ઈચ્છો તો તમે તેને તમારા વાળ પર લગાવી શકો છો, પરંતુ ખાતરી કરો કે તે સંપૂર્ણપણે ડ્રાય ન થઇ જાય.
ઈંડાનો હેર માસ્ક
ઉનાળામાં તેલયુક્ત ખોપરી ઉપરની ચામડીને તાજગીભરી રાખવા માટે તમે ઈંડાનો હેર માસ્ક લગાવી શકો છો. આ માસ્ક તૈયાર કરવા માટે ઈંડાનો સફેદ ભાગ અલગ કરો અને તેને લીંબુના રસ સાથે મિક્સ કરો. ઈંડા વાળને પ્રોટીન પૂરું પાડે છે, જેનાથી તે ચમકદાર અને નરમ બને છે, જ્યારે લીંબુ માથા પર વધારાનું તેલ અને ખોડો ઘટાડવામાં મદદ કરે છે. આ મિશ્રણને માથાની ચામડીથી વાળના છેડા સુધી લગાવો અને પછી તેને 15થી 30 મિનિટ માટે રહેવા દો. સામાન્ય તાપમાને પાણીથી તમારા વાળ ધોઈ લો.
દહીંનો હેર માસ્ક બનાવો
ઉનાળા દરમિયાન તમે દહીં અને જાસવંતીનાં ફૂલોનો ઉપયોગ કરીને હેર માસ્ક તૈયાર કરી શકો છો. આ માટે, તમે જાંસવતીનો પાવડર અથવા તાજા જાસવંતીના ફૂલોમાંથી બનાવેલી પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. બંને ઘટકોને એકસાથે મિક્સ કરો અને મિશ્રણને તમારા આખા વાળ પર, માથાની ચામડી સહિત લગાવો. આ ફક્ત તમારા વાળને મુલાયમ બનાવશે એટલું જ નહીં પરંતુ તેની રચના અને રંગ પણ વધારશે. દહીંમાં હાજર લેક્ટિક એસિડ માથાની ચામડી પર વધારાનું તેલ ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે જાસવંતીની પાંખડીઓ વાળને પોષણ આપવાનું કામ કરે છે.
ધ્યાનમાં રાખવા જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દા
જો તમારી ખોપરી ઉપરની ચામડી ખૂબ જ તેલયુક્ત હોય તો તમે અઠવાડિયામાં એક કે બે વાર આ હેર માસ્ક લગાવી શકો છો. જો તમારી ખોપરી ઉપરની ચામડી થોડી જ તેલયુક્ત હોય તો દર 10 દિવસે એકવાર હેર માસ્ક લગાવવો પૂરતો છે. યાદ રાખો કે મુખ્યત્વે ઓઇલી સ્કાલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ વાળના માસ્કને સંપૂર્ણપણે ડ્રાય થવા દેવા જોઈએ નહીં. આ માટે 15 થી 20 મિનિટ પૂરતો સમય છે. ઘણીવાર ભારે સ્ટાઇલિંગ ઉત્પાદનો પણ વાળને ઝડપથી ઓઇલી બનાવી શકે છે, તમારે આવાં ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. હંમેશાં હળવા ને નેચરલ શેમ્પૂનો ઉપયોગ કરો.