Mon Jul 27 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ રફી-લતાનો ઝગડો સુમન કલ્યાણપુરને ફળ્યો હતો

2026-06-02 08:38:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

મહાન પાર્શ્વગાયિકા આશા ભોસલેના નિધનને હજુ બે મહિના પણ નથી થયા ત્યાં હિંદી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનાં વધુ એક ગાયિકા સુમન કલ્યાણપુરે આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી. સુમન કલ્યાણપુર 89 વર્ષનાં હતાં અને લાંબા સમયથી ફિલ્મ દુનિયાથી દૂર હતાં પણ 1960 અને 1970ના દાયકામાં ગાયેલાં ગીતોના કારણે આગવી છાપ છોડી ગયેલાં તેથી તેમના નિધનથી ફિલ્મ સંગીતના ચાહકોને દુ:ખ થાય જ. 

અખંડ ભારતના ઢાકામાં જન્મેલા સુમનજી મૂળ કર્ણાટકનાં હતાં પણ ગાયિકા તરીકે તેમણે એક ભારતીયની ઓળખ બનાવી. હિન્દી અને મરાઠીમાં સુમનજીએ સૌથી વધારે ગીતો ગાયાં પણ આસામી, કન્નડ, બંગાળી અને ઓડિયા સહિતની બીજી પ્રાદેશિક ભાષાઓમાં પણ ગીતો ગાયાં છે.

સુમન કલ્યાણપુરે સંખ્યાબંઘ ગુજરાતી ગીતો પણ ગાયાં છે. ગુજરાતી સંગીત સમ્રાટ અવિનાશ વ્યાસે સુમનજી પાસે ઘણાં ગીતો ગવડાવ્યાં. જોબનિયું આજે આવ્યું ને કાલે જાશે કે પાણી ગ્યાતા રે બેની અમે તલાવડે જેવાં અમર ગુજરાતી ગીતો સુમનજીએ ગાયેલાં છે. નયન ને નયન મળે જ્યાં , રામ રાખે તેમ રહીએ, થોભી જા થોભી જા સહિતનાં ઘણાં ગુજરાતી ગીતો સુમનજીના સ્વરમાં છે. 

સુમનજીએ ફિલ્મી ગીતો ઉપરાંત ભક્તિ સંગીત , ગઝલ અને ઠુમરીઓ પણ ગાઈ પણ તેમની મુખ્ય ઓળખ હિંદી અને મરાઠીનાં સફળ ગાયિકા તરીકેની વધારે રહી. મરાઠીમાં ‘કેતકીચ્યા બની તિથે’, ‘સાંગ કધી કળનાર તુલા’ અને ‘લિંબોણીચ્યા ઝાડામાગે’ સહિતનાં તેમનાં ગીતો અમર થઈ ગયાં છે

સુમનજી માટે શ્રેષ્ઠ સમય 1960નો દાયકો હતો. ભારતના બે મહાનતમ પાર્શ્વગાયકો મોહમ્મદ રફી અને લતા મંગેશકર વચ્ચે 1960ના દાયકામાં રોયલ્ટીના મુદ્દે અણબનાવ થયો પછી લતાએ મોહમ્મદ રફી સાથે ગાવાનું બંધ કરી દીધેલું. લતા-રફીના ઝગડાને કારણે સંગીતને નુકસાન થયું એવું સૌ કહે છે પણ સુમન કલ્યાણપુરને ફાયદો થયો. મોહમ્મદ રફી એ વખતે પાર્શ્વગાયન માં શિખર પર હતા. શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર સહિતના લોકપ્રિય હીરો રફીનો જ અવાજ પસંદ કરતા તેથી શંકર-જયકિશન, નૌશાદ સહિતના સંગીતકારો રફીને પડતા મૂકી શકે તેમ નહોતા.  

ડ્યુએટ્સ માટે રફી સાથે લતા પહેલી પસંદ હતાં પણ લતા તૈયાર નહોતાં તેથી સંગીતકારોએ સુમન કલ્યાણપુરને તક આપી કેમ કે સુમનજીનો અવાજ લતા મંગેશકરને મળતો આવતો હતો. સુમન કલ્યાણપુરે આ ગાળામાં રફી સાથે દોઢસો જેટલાં ગીતો ગાયાં. તેમાંથી મોટા ભાગનાં ગીતો સુપરહીટ હતાં તેથી સુમન કલ્યાણપુરની અલગ ઓળખ બની.

સુમન કલ્યાણપુરને રફી સાથે સૌથી વધારે તક શંકર-જયકિશને આપી. આજકાલ તેરે મેરે પ્યાર કે ચર્ચે (બ્રહ્મચારી), તુમને પુકારા ઔર હમ ચલે આયે (રાજકુમાર), દિલ એક મંદિર હૈ (દિલ એક મંદિર), તુઝે પ્યાર કરતે હૈં કરતે રહેંગેં (એપ્રિલ ફૂલ), ઈતના હૈ તુમ સે પ્યાર મુઝે ઓ મેરે જાનેજાં (સૂરજ), તુમ સે ઓ હસીના કભી મોહબ્બત ના મૈંને કરની થી (ફર્ઝ), અજહુ ન આયે બાલમા સાવન બિતા જાયે ( સાંજ ઔર સવેરા) જેવાં અમર ડ્યુએટ્સ શંકર-જયકિશનની દેન છે.

ખય્યામે રફી-સુમનજી પાસે શગૂનમાં પર્બતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ અને ઠહરીયે હોશ મેં આઉં તો ચલે જાઈયેગા (મોહબ્બત ઈસ કો કહતે હૈં) જેવાં એવરગ્રીન ગીત ગવડાવ્યાં તો કલ્યાણજી આણંદજીએ જબ જબ ફૂલ ખિલેમાં ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બૈઠે જેવું મસ્તીભર્યું ગીત ગવડાવ્યું. લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે અંજાનામાં જાન ચલી જાયે જિયા નહીં જાયે ગવડાવ્યું તો દૂજ કા ચાંદ ફિલ્મમાં ચાંદ તકતા હૈ તકે જેવું દિલને ઠંડક આપનારું ગીત ગવડાવ્યું. 

સચિન દેવ બર્મને હેમંત કુમાર અને સુમનજી પાસે બાત એક રાત કીમાં ના તુમ હમેં જાનો, ના હમ તુમ્હેં જાને જેવું કદી ના ભૂલાય એવું અમર ડ્યુએટ આપ્યું. મમતા ફિલ્મનું રહેં ના રહેં હમ, મહેંકા કરેંગે ગીત લતા મંગેશકરનાં શ્રેષ્ઠ ગીતોમાંથી એક છે. રોશને મમતામાં જ આ ગીત ડ્યુએટ તરીકે મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુર પાસે ગવડાવેલું કે જે બેકગ્રાઉન્ડમાં વાગે છે.

સુમન કલ્યાણપુરે મુકેશ સાથે પણ યાદગાર ગીતો આપ્યાં. સાથીનું મેરા પ્યાર ભી તુ હૈ, યે બહાર ભી તુ હૈ, મેરી સુરત તેરી આંખેનું યે કિસને ગીત છેડા, દિલ ને ફિર યાદ કિયાનાં  ચુરા લે ના તુમકો યે મૌસમ સુહાના અને આપ કા ચહેરા, જોહર મહેમૂદ ઈન ગોઆનું અંખિયોં કા નૂર હૈ તુ, અંખિયોં સે દૂર હૈ તુ વગેરે મુકેશ-સુમનજીનાં યાદગાર ગીતો છે. 

કિશોર કુમાર સાથે ના જાને કૈસે બદલ જાતે હૈં પલ મેં યે બદલતે રિશ્તે (યે બદલતે રિશ્તે) સહિતનાં યાદગાર ગીતો સુમનજીએ ગાયાં છે. લક્ષ્મીકાન્ત પ્યારેલાલે 1970ના દાયકામાં નસીબ ફિલ્મમાં અનવર અને કમલેશ અવસ્થી જેવા નવા ગાયકો સાથે બનાવેલું જિંંદગી ઈમ્તહાન લેતી હૈ ગીત સુમનજી પાસે ગવડાવેલું ને એ પણ સુપરહીટ હતું.

આ તો બહુ જાણીતાં થયેલાં ડ્યુએટ્સની વાત કરી પણ એ સિવાય સુમનજીએ બીજા કલાકારો સાથે પણ ઘણાં ડ્યુએટ્સ ગાયાં છે.સુમન કલ્યાણપુરને વધારે ખ્યાતિ અને સફળતા ડ્યુએટ્સનાં ગાયિકા તરીકે મળી એ સાચું પણ તેમના નામે ઘણાં સોલો સુપરહીટ અને યાદગાર સોંગ્સ પણ છે. 

બેહના ને ભાઈ કી કલાઈ સે પ્યાર બાંધા હૈ (રેશમ કી ડોરી), દિલ ગમ સે જલ રહા હૈ, જલે પર ધુઆં ન હો (શમા), યું હી દિલ ને ચાહા થા, રોના રુલાના, તેરી યાદ તો બન ગઈ ઈક બહાના ( દિલ હી તો હૈ), મેરે મહબૂબ ન જા, આજ કી રાત ન જા (નૂર મહલ), જિંદગી ઝુલ્મ સહી, જબ્ર સહી, ગમ હી સહી (શગૂન) સહિતનાં સોલો અમર ગીતો સુમનજીના નામે બોલે છે. 

આ યાદી પણ બહુ લાંબી છે અને સર્ચ કરો તો સુમનજીના કંઠે ગવાયેલાં અમર ગીતોના ખજાનામાંથી એક પછી એક ગીતો નીકળ્યા જ કરશે. આ પૈકી ઘણાં ગીતો એવાં છે કે જે સાંભળીને આશ્ર્ચર્ય થશે કે, આ ગીત સુમન કલ્યાણપુરે ગાયેલું? અમે તો લતા મંગેશકરે ગાયું હોવાનું માનતાં હતાં.

લતા મંગેશકરના અવાજ સાથે જલદી ઓળખી ના શકાય એવી સામ્યતાના કારણે સુમન કલ્યાણપુરને ફાયદો થયો કે નુકસાન તેનું મૂલ્યાંકન ઈતિહાસ કરશે પણ  સુમનજી અવાજમાં સામ્યતા છતાં લતાજીથી અલગ ઓળખ બનાવી ગયાં, પોતાની આગવી છાપ છોડી ગયાં તેમાં બેમત નથી. આ છાપ એવી અમિટ છે કે સંગીત રહેશે ત્યાં સુધી સુમન કલ્યાણપુરને યાદ રખાશે.