સુરત: સુરતના હજીરાના આર્સેલર મિત્તલના પ્લાન્ટના વિશિષ્ટ સ્ટીલમાંથી બનેલા આઇએનએસ માલવન એએમ/એનએસ ઇન્ડિયાએ હિંદ મહાસાગરમાં ભારતની સંરક્ષણ હરોળને અત્યંત મજબૂત બનાવી દીધી છે. 22 જુલાઈ, 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલું આ યુદ્ધજહાજ હજીરાના પ્લાન્ટની અદ્યતન ઉત્પાદન ક્ષમતાનો વધુ એક પુરાવો છે. વાઘ નખનો લોગો ધરાવતા આ યુધ્ધ જહાજ દુશ્મનની ગમે તેવી સબમરીનને શોધીને ઉડાવી દે છે તેથી તેને સબમરીન હંટર કહેવામાં આવે છે.
અદ્યતન એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વૉટરક્રાફ્ટ (એએસડબ્લ્યુ-એસડબ્લ્યુસી) આઇએનએસ માલવન એએમ/એનએસના નિર્માણમાં વપરાયેલું તમામ સ્ટીલ સુરત પાસેના હજીરા સ્થિત પ્લાન્ટમાંથી અપાયું છે. આર્સેલર મિત્તલના પ્લાન્ટમાં બનેલા વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલા આઈએનએસ માલવનની દેશની સુરક્ષામાં મહત્વની ભૂમિકા છે તેથી આ સિદ્ધિ સુરત માટે ગૌરવપ્રદ છે. આઈએનએસ માલવનના કારણે ભારતની વ્યૂહાત્મક તથા સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં સુરતના મહત્વપૂર્ણ યોગદાનની ફર એક વાર રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. આ સિદ્ધિ દર્શાવે છે કે, સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતની વિકસી રહેલી સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમ અને સમુદ્રી સુરક્ષા ક્ષેત્રેની મહત્વકાંક્ષાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે હજીરા પ્લાન્ટે ભારતના કેટલાક સૌથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં યોગદાન આપવાથી લઈને નૌસેનાના અગ્રહરોળના યુદ્ધજહાજોને મજબૂત આધાર પૂરો પાડવા સુધીની ભૂમિકા અસરકારક રીતે નિભાવી છે. એએમ/એનએસ ઇન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગ વિભાગના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ રંજન ધારે જણાવ્યું હતું કે, ‘આઇએનએસ માલવનને ભારતીય નૌસેનામાં સામેલ કરવું એ એએમ/એનએસ ઇન્ડિયાના હજીરા પ્લાન્ટ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે કેમ કે આ યુદ્ધજહાજ માટેના વિશિષ્ટ સ્ટીલનું ઉત્પાદન હજીરામાં કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ હજીરા પ્લાન્ટ ખાતે વિકસાવવામાં આવેલી અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ, ટેક્નિકલ કુશળતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોને પ્રતિબિંબિત કરે છે. સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતીય નૌસેનાના આધુનિકીકરણમાં યોગદાન આપી રહ્યું છે તેમજ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવામાં સહભાગી બની રહ્યું છે.
કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્માણ પામેલું આઇએનએસ માલવન, એએસડબ્લ્યુ-એસડબ્લ્યુસી શ્રેણીના કુલ આઠ યુદ્ધજહાજોમાંથી બીજું તેમજ ભારતીય નૌસેનામાં સામેલ થનારું આ શ્રેણીનું બીજું યુદ્ધજહાજ છે. 80 ટકાથી વધુ સ્વદેશી કોમ્પોનન્ટ ધરાવતો આ પ્રોગ્રામ ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ પહેલને મજબૂત બનાવે છે. સાથે સાથે નૌસેના માટેના યુદ્ધજહાજોની ડિઝાઇન, એન્જિનીયરિંગ, સિસ્ટમ્સ ઇન્ટીગ્રેશન અને સંરક્ષણ જહાજના નિર્માણ ક્ષેત્રે દેશની વિકસી રહેલી ક્ષમતાઓને પણ ઉજાગર કરે છે. સમુદ્રમાં સર્વેલન્સ, એન્ટિ-સબમરીન વૉરફેર, માઇન વૉરફેર અને દરિયાકાંઠાની સુરક્ષા માટે ડિઝાઇન કરવામાં આવેલું આઇએનએસ માલવન ભારતના દરિયાકાંઠા અને સમુદ્રી હિતોની સુરક્ષા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
એએમ/એનએસ ઇન્ડિયા ભારતીય નૌસેના માટે નિર્માણાધીન એએસડબ્લ્યુ-એસડબ્લ્યુસી શ્રેણીના તમામ આઠ યુદ્ધજહાજો માટે જરૂરી 100% વિશિષ્ટ સ્ટીલને સપ્લાય કરે છે. કંપની આઇએનએસ વિશાખાપટ્ટનમ અને આઇએનએસ સુરત સહિતના અનેક મહત્વપૂર્ણ નૌસેના પ્લેટફોર્મ્સ માટે પણ વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરે છે.
સંરક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપવા ઉપરાંત, હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત સ્ટીલ ચિનાબ રેલવે બ્રિજ, અંજી ખાડ રેલવે બ્રિજ, બોગિબીલ બ્રિજ અને ભારતમાં આવેલા ન્યુટ્રિનો ઑબ્ઝર્વેટરી સહિત ભારતના કેટલાક સૌથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.