Sun Oct 04 2026

Logo

મનોરી નજીક દરિયામાં નધણિયાતું જહાજ: કોસ્ટ ગાર્ડે પોતાની બોટ મોકલી

2026-07-06 19:25:55
Author: Yogesh C. Patel
મનોરી નજીક દરિયામાં નધણિયાતું જહાજ: કોસ્ટ ગાર્ડે પોતાની બોટ મોકલી

મુંબઈ: અનરાધાર વરસાદ વચ્ચે ઉત્તર મુંબઈના મનોરી નજીક દરિયામાં નધણિયાતું જહાજ નજરે પડતાં કોસ્ટ ગાર્ડે પોતાની બોટ મોકલી હતી, જેથી જહાજને કારણે મનોરીના દરિયાકિનારાની આસપાસ નુકસાનનો ક્યાસ કાઢી શકાય.એક નિવેદનમાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે (આઈસીજી) જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે એમટી અસ્ફાલ્ટ સ્ટાર, એમટી સ્ટેલર રુબી અને એમટી અલ જાફઝિયા નામનાં જહાજો તણાઈ જવા બાબતે પાંચમી જુલાઈએ ડિરેક્ટરેટ જનરલ ઑફ શિપિંગ તરફથી તેમને એક મેસેજ મળ્યો હતો.

પરિસ્થિતિનો તાગ મેળવવા અને જહાજોને જરૂરી મદદ પૂરી પાડવા માટે આસીજીએસ સમ્રાટને તે તરફ વાળવામાં આવ્યું હતું. એ સાથે સહાય પૂરી પાડવા ઈટીવી વૉટર લિલી તહેનાત કરવા ડીજી શિપિંગને વિનંતી કરવામાં આવી હતી, એવું કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું.અત્યારે એમટી અસ્ફાલ્ટ સ્ટાર અને એમટી સ્ટેલર રુબી જહાજ લાંગરેલાં છે અને તેના પરના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.
એમટી અલ ઝફઝિયા માનવરહિત હતું, જે કથિત રીતે મનોરી કિનારે ફસાઈ ગયું છે. આઈસીજીએસ સમુદ્ર પ્રહરી અને ઈમર્જન્સી ટોવિંગ વેસલ વૉટર લિલી જરૂરી મદદ કરવા તે વિસ્તારમાં હાજર છે. 

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે આ જહાજ મનોરી બીચથી દરિયામાં લગભગ એક કિલોમીટરના અંતરે અટવાયું હતું.ગોરાઈ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફસાયેલા જહાજ અંગેની માહિતી સોમવારની સવારે મળી હતી અને પ્રોટોકોલ અનુસાર નેવી, આઈસીજી અને અન્ય સંબંધિત મેરિટાઈમ ઓથોરિટીઝને આ અંગે જાણ કરવામાં આવી હતી.
અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે જહાજ મનોરી બીચથી લગભગ એક કિલોમીટર દૂર છે. જહાજ લાંગરેલી સ્થિતિમાં છે અને તેના સંબંધી કોઈ અપ્રિય ઘટનાની માહિતી મળી નથી. (પીટીઆઈ)