ઈરાન–અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત માટે રાહત અને ખુશખબર મળી છે. હોર્મુઝ સ્ટ્રેટ પાસેથી બે નવા પેટ્રોલિયમ ટેન્કર ભારત તરફ પ્રયાણ કરી ચૂક્યા છે અને આ જહાજોને સુરક્ષિત રીતે પસાર થવાની સુરક્ષા પણ ગોઠવી દેવામાં આવી છે. આ સાથે જરૂર પડ્યે સહાય પૂરી પાડવા માટે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે. આ બંને તેલના જહાજોએ હોર્મુઝ પાસે થઈને આફ્રિકા અને ભારત તરફની દિશામાં પ્રવેશ કરી જ લીધો છે, જે યુદ્ધ‑ગ્રસ્ત મધ્ય પૂર્વ પ્રદેશમાં ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ સંકેત છે.
દુનિયા માટે ચિંતાજનક બન્યો હોર્મુઝ સ્ટ્રેટ
ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવપૂર્ણ માહોલ ચિંતાજનક છે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્ત્વના દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે, જ્યાંથી દરરોજ કરોડો બેરલ તેલ પસાર થાય છે. યુદ્ધને કારણે ઘણા દેશોના જહાજો આ વિસ્તારમાં અટવાયેલા હતા અને ઊર્જા પુરવઠો અનિશ્ચિતતાની ભીતિમાં હતો. પરંતુ ભારતે કૂટનીતિના કારણે પોતાના જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પાર કર્યાં છે. ફરી એકવાર ભારતની કૂટનીતિના કારણે ઈરાને આપણાં બે જહાજોને હોર્મુઝ પાર કરવાની મંજૂરી આપી દીધી છે.
ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ પાર કરવાની મંજૂરી આપી
વધારે વિગતે વાત કરવામાં તો, ઈરાને તાજેતરમાં પાંચ મિત્ર દેશોની યાદી બહાર પાડી છે, જેમાં ભારત, ચીન અને રશિયા સહિત આ દેશોના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. ભારત જનારા જહાજોનું આ પરિવહન તાજેતરની મંજૂરી બાદ થયું છે. સ્થિતિ જોતાં ઈરાન તરફથી ભારતને સુચનાત્મક રૂપે ભરોસો આપવામાં આવ્યો હતો કે ભારતીય ધ્વજવાળા જહાજો પર નિશાન નહીં કરવામાં આવે. એટલે આ બે જહાજો હોર્મુઝ પાર કરી શક્યાં છે.
ભારતની સફળ કૂટનીતિના કારણે આ થઈ શક્યું
આ પહેલા ‘પાઈન ગેસ’, ‘જગ વસંત’, ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ જેવા ટેન્કરોએ હોર્મુઝનો માર્ગ પાર કરીને ગુજરાતના મુન્દ્રા અને કંડલા જેવા બંદરો પર હેમખેમ પહોંચી ગયા હતા, જેને લીધે દેશની LPG અને તેલની અછત ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવાઈ છે. ભારતના વિદેશ પ્રધાન S. જયશંકરની કૂટનીતિના કારણે ઈરાન સાથે એવી સમજ બંધાઈ છે કે ભારત માટે ઊર્જા માર્ગો પર અનિચ્છનીય અટકાવ અથવા હુમલા નહીં થાય. આના કારણે ભારતે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની મધ્યમાં પણ તેલ અને LPG આયાત ચાલુ રાખવામાં, દેશની ઊર્જા સુરક્ષા જાળવવામાં અને લોકોની ભીતિ ઘટાડવામાં સફળતા મેળવી છે.