Fri May 01 2026

Logo

આટલું વાંચ્યા પછી ઈચ્છા થઈ કે નહીં ઈરાનની ફિલ્મો જોવાની?

2026-03-13 08:42:00
Author: સંજય છેલ
Article Image

સ્ટાર-યાર-કલાકારઃ

સંજય છેલ 

તમે મર્ડર કરો તો જેલમાં જાવ પણ ફિલ્મોમાં મર્ડર બતાડી શકો છો ને જેલ નહીં થાય પણ તમે રિયલ લાઈફમાં સેક્સ કરો તો જેલ નથી થતી, પણ ફિલ્મોમાં દેખાડો તો જેલ થઈ શકે છે! આ વિચિત્ર વિરોધાભાસ એટલે જ કલાને સેન્સર કરવાની વિવાદાસ્પદ વાત...

હમણાં `કેરાલા સ્ટોરી 2' વિશે સેન્સર અને કોર્ટની મગજમારી ચાલી રહી હતી ને માંડ માંડ ફિલ્મ રિલીઝ થઇ. વળી હમણાં ગોડસે વિશેના નાટકને ભજવવા વિશે ગુજરાતના રાજકોટ,અમદાવાદ જેવાં શહેરોમાં સમસ્યાઓ થઇ છે, જે પાછું મુંબઇમાં આરામથી ભજવાય છે! સેન્સર બોર્ડે પાસ કર્યા પછી પણ શો કેન્સલ કેમ કરવા પડે? અને હા, એ જ ગાંધીહત્યા તરફેણના મૂળ મરાઠી નાટક `મી નથુરામ બોલતોય'ની રજૂઆત વખતે આજથી 25 વરસ પહેલાં પણ આવી જ બબાલ થઇ હતી... શો કેન્સલ થયેલા ને પછી બાળ ઠાકરે વચ્ચે પડેલા. 

પછી તો એ નાટક દાયકાઓ સુધી ચાલ્યું. આ અંગે એક લેખક-નિર્દેશક કે કલાકાર તરીકે મારો સ્પષ્ટ મત છે કે તમને ગમે કે ના ગમે, સેન્સર બોર્ડે પાસ કરેલ નાટક-ફિલ્મ કોઇએ અટકાવવા જોઇએ નહીં. હું ગાંધી હત્યાને સમર્થન આપતું એ નાટક કદીયે નહીં જોઉં પણ જેને જોવું હોય એને ના પાડનાર હું કે કોઇ એક ટોળી કે પાર્ટી કોણ? દરેક ને દરેક વિચારના નાટક-સિનેમા પુસ્તકો રચવાનો આ આઝાદ દેશમાં અધિકાર છે. પછી ભલેને 2002ની ગોધરા કાંડ વિશેની `પરઝાનિયા' ફિલ્મની જેમ આડકતરી સેન્સરશિપ કરવામાં આવતી હોય, એ પણ ના જ ચાલે. ઓકે?

તાજેતરમાં મરાઠીમાં 'હરહર મહાદેવ' નામની ફિલ્મ આવી છે જેમાં શિવાજી મહારાજના સેનાપતિ અને શિષ્ય તાનાજી વચ્ચે ફાઇટ સીન વગેરે દેખાડ્યા અને લોકોને એમ લાગ્યું કે શિવાજીના જીવન-ચરિત્ર ને ઇતિહાસ સાથે ખૂબ ચેડા થયા છે. એવામાં એન.સી.પી.પાર્ટીના પ્રગતિશીલ ગણાતા નેતા જીતેંદ્ર આવ્હાડ ફિલ્મના ચાલુ શોમાં ઘુસી ગયા ને એમના સાગરીતોએ પ્રેક્ષકોને ધક્કે ચઢાવ્યા, શો અટકાવ્યો. પછી નેતાજીની ધરપકડ પણ થઇ ને પછી કોર્ટે જામીન પર છોડી મૂક્યા. પછી અચાનક રાજ ઠાકરેની પાર્ટીએ રાજકારણ રમવા પેલી ફિલ્મનાં જીતેંદ્રજીના વિરોધમાં ફિલ્મનો મફતમાં શો યોજી દીધો!

જીતેંદ્ર નામથી યાદ આવ્યું કે `જપિંગ જેક' હીરો જીતેંદ્રની 1980ના દાયકાની મસાલા ફિલ્મ `મિ. ક્નવર લાલ'ને ત્યારની સરકારે બેન કરવા ધારેલી, કારણકે એમાં વિલનનું નામ નવાબ હતું ને ત્યારે કેંદ્રમાં ગુલામ નબી આઝાદ નામે કૉંગ્રેસી મંત્રી હતા (આજે જે પાછા બીજેપીમાં છે, બાય ધ વે).. તો કોઇએ નવાબજીના કાન ભંભેરેલા કે ફિલ્મ એમને ગંદી રીતે ચિતરે છે તો રાતોરાત ફિલ્મ બેન થઇ પણ પછી આખરે જેમતેમ કરીને રજૂ થઇ..ત્યારે લોકોનાં ટોળેટોળાં સિનેમાઘરો માં ઉમટ્યા ને ફિલ્મ હિટ. એટલે અનેકવાર બેન થયેલ ફિલ્મો સમાચારમાં આવીને વધુ ચગી છે ને એટલે નિર્માતાઓ ઘણીવાર પોતે જ ફિલ્મ બેન કરાવતા હોય છે ને પછી ફસાઇ પણ જાતા હોય છે! 

1970માં બાળ ઠાકરેના પક્ષના કાર્યકર્તાઓએ `વિજય તેંડુલકર'ના નાટક `ઘાશીરામ કોતવાલ'ના ચાલુ શોમાં સભાગૃહમાં તોડફોડ કરેલી અને 1998માં `ફાયર' ફિલ્મનો પણ હિંસક વિરોધ કરેલો. આવા વિરોધ કરવામાં કોઇ પક્ષ કે કોઇ કોમ બાકાત નથી. કોઇ ગમે તે કહે પણ ફાઇનલી પસંદ કે નાપસંદ જનતાની અદાલતમાં થશે. ઇનફ ઈઝ ઈનફ્....સેન્સર બોર્ડની અનેક જુનવાણી ગાઇડલાઇન વિશે પણ છૂટછાટ મૂકીને નવેસરથી વિચારણા થવી જોઇએ. વળી જ્યાં આજકાલ વોર ચાલે છે એ ઇરાનમાં ફિલ્મો પર કડક સેન્સરશિપ છે ને ત્યાં સેન્સરના નિયમોને કારણે છુપાઇને પ્રતીકાત્મક સંદેશો આપતી વિશ્વની અદ્્ભુત ફિલ્મો બની છે. ઇરાનીયન સિનેમા આપણા જેવા આઝાદ દેશથી ખૂબ આગળ છે.

વળી આજે ઇંટરનેટ ને મોબાઇલ ફોન પર દરેકને ઘરે બેઠાં બેઠાં કે અરે, સોફા પર બેઠાં બેઠા પોર્નોગ્રાફી જોવા મળે છે ત્યારે શું `શ્લીલ' ને શું `અશ્લીલ'ની વ્યાખ્યા કોણ કરશે? 50 વર્ષ પહેલાં જે અશ્લીલ હતું એ આજે શ્લીલ છે તો શું 50 વર્ષ પહેલાનો સમાજ ખોટો હતો? હેન્રી મિલરની નવલકથાઓમાં `પોર્નોગ્રાફી' છે, એમ કહીને વર્ષો સુધી અમેરિકામાં બેન કરવામાં આવેલી, આજે એ અંગ્રેજીનું ઉત્તમ ગદ્યસાહિત્ય કહેવાય છે. ડી. એચ. લોરેન્સની, ઇરોટિક કથા `લેડી ચેટરલીઝ લવર' વર્ષો સુધી અમેરિકા-યુરોપમાં બેન થયેલી, આજે માનભેર કોલેજોમાં ભણાવાય છે અને એની અનેક વેબસિરીઝ ઘરેઘરે જોવાય છે.

બોલિવૂડની 30 ફિલ્મો લખ્યા બાદ સેન્સર બોર્ડ વિશે મારા વ્યક્તિગત અનુભવો કડવા અને રમૂજી રહ્યા છે. મેં લખેલી 1975ની ઇમર્જન્સી પર બનેલી ફિલ્મ `ઇંદુ સરકાર' ફિલ્મમાં આખરી શોટને કાઢી નાખવા કારણ વિના સેન્સર-બોર્ડના અધ્યક્ષ પહેલાજ નિહલાનીએ જીદ કરેલી! સેન્સર બોર્ડમાં લોકો રાજકીય વગ વાપરીને હરખભેર ઘૂસે છે એ જાહેર સત્ય છે. અમુક સભ્યો તો શાનથી ફિલ્મી પાર્ટીઓમાં કહે છે કે-`તમે ત્રણ વરસ લગાડીને ફિલ્મો બનાવો છે, અમે ત્રણ કલાકમાં એને કાપીએ છીએ!' 

ઘણીવાર સેન્સર બોર્ડના સભ્યો, નિર્માતા પાસે પૈસા ઉપરાંત ફિલ્મોમાં રોલ પણ માગે છે! અમુક સેન્સર બોર્ડ સભ્યો તો ફિલ્મ જોઈને થિયેટરના માલિકોને કે ફિલ્મ ખરીદનારા ડિસ્ટ્રીબ્યુટરને રીતસરની ખુફિયા માહિતી પૈસાથી વેંચે છે કે: `ફલાણી પિક્ચર ખરીદતાં નહીં, તમને નુકસાન જશે...' અને નિર્માતાઓ બરબાદ થઇ જાય છે! વળી કસ્ટમના ક્લિયરીંગ એજન્ટોની જેમ ફિલ્મ સેન્સર કરાવવા માટે પણ બાકાયદા એજન્ટો રીતસર કાર્ડ છપાવીને ધંધો કરે છે.

કરોડો રૂપિયા નાખીને વર્ષોની મહેનત કરીને ફિલ્મ બનાવનાર નિર્માતા-નિર્દેશક, છેવટે પોતાની ખુમારીને ચૂલામાં નાખીને સેન્સર-બોર્ડનાં પગે પડી જાય છે. મંડપમાં દહેજ માગતા છોકરાવાળા સામે છોકરીનાં મજબૂર બાપની જેમ.! આઝાદીનાં આટલાં વર્ષ પછીયે આ દેશમાં કલાકાર આઝાદ છે ખરો?